શુક્રવારે પોષ સુદ પૂનમના રોજ વડતાલ મંદિરમાં ભવ્યાતિભવ્ય રીતે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારે મંગળા આરતી બાદ પવિત્રાનંદ સ્વામીના સભામંડપમાં ચાલતી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીની ધનુ માસની કથામાં લોયા શાકોત્સવની કથા કરી હતી. આ પ્રસંગે સભામંડપમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને રસોઈયાના વસ્ત્રો પહેરાવી ભગવાન જાતે રીંગણાનું શાક બનાવી રહ્યા હોય તેવું દ્રશ્ય ખડું કરવામાં આવ્યું હતું. જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી લોયા શાકોત્સવની યાદ તાજી કરી હતી. ૨૦ હજાર ઉપરાંત હરિભક્તોએ વડતાલ મંદિરના ભોજનાલયમાં સોડમદાર શાકોત્સવ માણ્યો હતો. શાકોત્સવમાં મંદિરના આધુનિક ભોજનાલયમાં ૮૦ મણ રીંગણાંનું શાક, ૫૦ મણ બાજરાના રોટલા, ૪૦ મણ ચૂરમાના લાડું, તજ લવીંગથી વઘારેલી ખીચડી, કઢી ને છાશ ઉપરાંત અન્ય વ્યંજનો બનાવવામાં આવ્યા હતા.
વડતાલધામમાં શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું - વડતાલ મંદિર
ખેડાઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે પોષ સુદ પૂનમના રોજ શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ગુલાબપાંદડી વડે શાકોત્સવના વ્યંજનો પ્રસાદીના કર્યાં હતા. ચેરમેન દેવપ્રકાશ સ્વામી,શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજી, શ્યામવલ્લભ સ્વામી, હરિચરણ સ્વામી વગેરે સંતોએ પણ વ્યંજનો પ્રસાદીના કરી ભાવ અર્પ્યો હતો. પૂજ્ય આચાર્ય મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજીએ શાકોત્સવનો મહિમા વર્ણવ્યો હતો.

વડતાલધામ
વડતાલધામમાં શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
આજથી ૧૯૯ વર્ષ પૂર્વે શ્રીજી મહારાજે લોયા ખાતે ભવ્ય શાકોત્સવ ઉજવ્યો હતો. જેમાં ૧૦૦ મણ રીંગણાંનું શાક બનાવ્યું હતું જેનો ૧૨ મણ ઘીથી વઘાર કરાયો હતો. એટલું જ નહિ આ વઘાર ભગવાને જાતે કર્યો હતો. આ ઉત્સવમાં નંદ સંતો સહિત હજારો હરિભક્તો ભાવથી જમ્યા હતા. લોયાના શાકોત્સવની યાદ તાજી કરાવવા વડતાલ ખાતે પૂનમના રોજ ભવ્ય શાકોત્સવનું આયોજન થયું હતું.