- આંગણવાડી વર્કરો પાસેથી મુખ્ય સેવિકા દ્વારા હપ્તા માંગવામાં આવતા હોવાનો આક્ષેપ
- તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી રજૂઆત
- યોગ્ય પગલાં લેવા કરવામાં આવી માગ
ખેડાઃ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતી આંગણવાડી વર્કરો પાસે ઉઘરાણી કરવાના એક પછી એક કિસ્સા બહાર આવી રહ્યા છે. મહુધા તાલુકામાં અલીણા બાદ હવે સણાલી સેજામાં મુખ્ય સેવિકા દ્વારા ઊઘરાણા કરવામાં આવતા હોવાની વિગતો બહાર આવી છે.
મહુધા મુખ્યસેવિકા દ્વારા હપ્તાની ઉઘરાણી
મહુધા તાલુકાના સણાલી સેજામાં 11 ગામોની 38 જેટલી આંગણવાડીઓ આવેલી છે. જે દરેક આંગણવાડી બહેનો પાસેથી મહુધા મુખ્યસેવિકા કિરણબેન પટેલ દ્વારા મહિને રૂપિયા 2000 હપ્તાની ઉઘરાણી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. મુખ્ય સેવિકા કિરણબેન પટેલ દ્વારા રૂપિયા નહીં આપનારી બહેનોને નોટિસ આપી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે બાબતે 27 જેટલી આંગણવાડી બહેનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આંગણવાડી વર્કરો પાસે હપ્તાની માગ, કરાઇ રજૂઆત તેમને કામ નથી કરવું એટલે આક્ષેપ કરે છે: મુખ્ય સેવિકા
આ અંગે મુખ્ય સેવિકા કિરણબેન પટેલ દ્વારા જણાવાયું હતું કે, એમને કામ નથી કરવું એટલે આવા આક્ષેપો કરે છે. તેમની ફરજ પ્રત્યેની બેદરકારી અને નિષ્કાળજી બદલ નોટિસ આપી એટલે તે લોકોએ મારા પર વળતો આક્ષેપ કર્યો છે.
આંગણવાડી વર્કરો પાસે હપ્તા માગતા તાલુકા વિકાસ અધિકારીને કરાઇ રજૂઆત તપાસ બાદ યોગ્ય પગલાં લેવામાં આવશેઃ તાલુકા વિકાસ અધિકારી
તાલુકા સિડીપીઓ અનિતાબેન પટેલ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું. સણાલી સેજાની 27 આંગણવાડી બહેનો દ્વારા આ અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે. જેને લઇ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલીયા દ્વારા આ અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. જે બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે તેમ જણાવાયુ હતું. મહત્વનું છે કે, ઉઘરાણીના આક્ષેપો ઉપરાંત મુખ્ય સેવિકા કિરણબેન પટેલ પર આશા વર્કર સાથે ગેર શિસ્તપૂર્ણ વર્તન કરવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે અંગે પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે, ત્યારે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરી સત્વરે યોગ્ય પગલા લેવાની માગ કરવામાં આવી રહી છે.