નડિયાદઃ ખેડાના અંગાડી ગામે લોકડાઉનમાં ફરજ પરના હોમગાર્ડ જવાને આરોપી બાઈક ચાલકને માસ્ક પહેરવા અને લોકડાઉનનું પાલન કરવાનું જણાવતાં હોમગાર્ડ જવાન સાથે ઝપાઝપી કરી ઈજા પહોંચાડી ધમકી આપી હતી. આ મામલામાં આરોપી અબ્દુલરજાકખાન ઇસ્માઇલખાન મલેકને પાસા હેઠળ રાજકોટ જેલના હવાલે કરવામાં આવ્યો છે.
હાલ કોરોના વાઈરસની મહામારીને કારણે આ વાઈરસનો વ્યાપ ન વધે તે હેતુથી સરકારે લોકડાઉન જાહેર કરેલ છે. આ સમયગાળામાં આરોગ્ય, પોલીસ અને સરકારી કર્મચારીઓને જાહેરહિતમાં જનતાની સલામતી માટે વિવિધ ફરજો સોપવામાં આવેલી છે. કર્મચારીઓ નિર્ભયતાપુર્વક ફરજ બજાવી શકે તે માટે અડચણ કરનાર ઇસમો સામે કડક પગલાં લેવાની જોગવાઇ સરકારે કરેલી છે.
ખેડા જિલ્લામાં હોમાગાર્ડ કિરીટકુમાર માનસિંહ ચાવડા ફરજ પર હતા, તે દરમિયાન અંગાડી ગામના અબ્દુલરજાકખાન ઇસ્માલખાન મલેક નામના શખ્સોને માસ્ક ન પહેરવા બાબતે રોક્યા હતાં. બાદમાં હોમગાર્ડ અને આ ઈસમો વચ્ચે બોલાચાલી થતાં ઈસમોએ ઉશ્કેરાઇ અપશબ્દો બોલી, ઝપાઝપી કરી હતી. આ ઝપાઝપીમાં હોમગાર્ડને ડાબા હાથે ઇજાઓ પહોંચાડી હતી. જેથી આ ઇસમ અબ્દુલરજાકખાન ઇસ્માઇલખાન મલેક સામે ગુનો નોંધી જિલ્લા પોલીસ અધિક્ષકે પાસા દરખાસ્ત રજુ કરતાં જિલ્લા મેજીસ્ટ્રેટ આઇ.કે.પટેલ દ્વારા સદર ઇસમને પાસા હેઠળ અટકાયત કરી જિલ્લા જેલ રાજકોટ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો છે.
આ બાબતે જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે જણાવ્યું હતું કે, હાલમાં કોરોના વાઈરસના કારણે જિલ્લામાં અનેક પ્રકાર જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવી રહ્યા છે. અને આના અમલીકરણ માટે જાહેર જનતાને અપીલ સહ ચેતવણી પણ આપવામાં આવી છે. આમ, છતાં જિલ્લા પ્રશાસનના ધ્યાને આવેલા છે કે કેટલાક અસામાજીક માથાભારે તત્વો સરકારી કામમાં રૂકાવટ ઉભી કરી રહ્યા છે. આવા અસામાજીક તત્વો કે ચમરબંધીઓને કાયદાની મર્યાદામાં રહેવા અને જિલ્લા પ્રશાસને કાયદાની અમલવારીમાં મદદરૂપ થવા જણાવવામાં આવે છે. જો કાયદાનું ઉલ્લંધન કરતા જણાશે તો કોઇપણ ચમરબંધીને બક્ષવામાં આવશે નહીં.