કાર્યક્રમમાં અધિક કલેકટર રમેશ મેરજાએ જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા અસંગઠીત ક્ષેત્ર સાથે સંકળાયેલા ૧૮ થી ૪૦ વર્ષના શ્રમયોગીઓ કે, જેમની માસિક આવક રૂપિયા ૧૫,૦૦૦ કે તેથી ઓછી હોય તેમના માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં લાભાર્થીઓએ તેમની ઉંમર મુજબ માસિક ફાળો ભરવાનો રહે છે. તેની સામે ભારત સરકાર દ્વારા તેટલો જ ફાળો લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે. ત્યારબાદ લાભાર્થીને ૬૦ વર્ષ પૂર્ણ થતા દર મહિને રૂપિયા ૩૦૦૦ પેન્શન આજીવન મળતું રહેશે. લાભાર્થી શ્રમયોગીના મૃત્યુ બાદ તેના પતિ અથવા પત્નીને ૫૦ ટકા પેન્શન મળવાપાત્ર થશે. આ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ કોમન સર્વિસ સેન્ટર ખાતે આધાર કાર્ડ, બેન્ક પાસબુક, મોબાઇલ સાથે લઇ જઇ નોંધણી કરાવવી પડશે.
આ યોજના અંતર્ગત બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમયોગીઓ, એપીએમસી માર્કેટના શ્રમયોગી, ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો, દૈનિક ફેરિયાઓ, આશા વર્કર, આંગણવાડી વર્કર, મધ્યાહન ભોજન યોજનાના વર્કર, મનરેગાના શ્રમયોગીઓ, ઘરેલું કામદાર, ખેત શ્રમયોગીઓ, રીક્ષાચાલકો, હાથલારીના ચાલકો સહિત અન્ય અસંગઠીત શ્રમયોગીઓ લાભ મેળવી શકે છે.