સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રી બ્રહ્મલીન થયા ખેડા :સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રી આજરોજ નડિયાદ ખાતે બ્રહ્મલીન થયા હતા. રાજ્યની એક વિભૂતિની વિદાયને પગલે નડિયાદ સહિત જિલ્લાભરમાં શોકની લાગણી ફેલાવા પામી છે. સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે તેઓ આજીવન કાર્યરત રહ્યા હતા. 97 વર્ષની જૈફ વયે અવસ્થાને કારણે તેમનું દેહાંત થયું હતું. તેમના પાર્થિવ દેહને બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રી : મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ડાભલા ગામમાં 26 ફેબ્રુઆરી 1926 ના રોજ બ્રાહ્મણ પરિવારમાં ડાહ્યાભાઈ શાસ્ત્રીનો જન્મ થયો હતો. ડાહ્યાભાઈ શાસ્ત્રી આપણી પ્રાચીન ભાષા સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતા. તેમણે અમદાવાદ અને વારાણસીમાં સંસ્કૃતનો ગહન અભ્યાસ કર્યો હતો. વ્યાકરણાચાર્ય, સાહિત્યાચાર્ય, હિન્દી વિશારદ સહિતની પદવી પ્રાપ્ત કરી હતી. નાના બાળકોમાં આપણી સંસ્કૃતિની ધરોહર સમાન સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે તેઓ આજીવન કાર્યરત રહ્યા હતા. જેની કદર કરતા સરકાર દ્વારા તેમને પદ્મશ્રી અર્પણ કરાયો હતો.
પદ્મશ્રી ડાહ્યાભાઈની કારકિર્દી :પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીએ વિશ્વ હિન્દુ પરિષદના અખિલ ભારતીય ઉપાધ્યક્ષ તરીકે તથા ગુજરાત પ્રદેશ વી.એચ.પી સંઘ રક્ષક તરીકે ફરજ બજાવી હતી. ઉપરાંત સંસ્કૃત ભાષા, વેદ ભાષા સાહિત્યના પ્રચારનું ભગીરથ કાર્ય કરનાર સ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડીના તેઓ અધ્યક્ષ હતા. સંસ્કૃત પાઠશાળાના તેઓ યશસ્વી આચાર્ય રહી ચૂક્યા છે. તેમણે ગુજરાતની સંસ્કૃત પાઠશાળાના સફળ માર્ગદર્શક અને નિરીક્ષક તરીકે પોતાની સેવા અર્પિત કરી છે.
સંસ્કૃત ભાષાના પ્રચારક : સંસ્કૃત રક્ષા એ જ રાષ્ટ્ર રક્ષા છે, તેવો જીવનમંત્ર ધારણ કરી પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીએસેવા નિવૃત્તિ બાદ પોતાના સ્વપ્નને સાકાર કરવા નડિયાદ ખાતે બ્રહ્મર્ષિ સંસ્કારધામની સ્થાપના કરી હતી. જ્યાં સંસ્કારધામમાં ભવ્ય સંસ્કૃત મહાવિદ્યાલય, ગૌશાળા, વેદ વિદ્યાભવન,અંગ્રેજી વિદ્યાભવન, યોગ કેન્દ્રમાં વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસી રહ્યા હતા. દાદાની વિદાયથી નડિયાદ સહિત ગુજરાત રાજ્યને એક ઉમદા સંસ્કૃત વિદ્વાનની કાયમી ખોટ પડી છે.
- Hirabai Lobi: પદ્મશ્રી હીરબાઈ સીદ્દી આદિવાસી મહિલા કે જેમણે પોતાના સમાજને ચીંધી રાહ, ખોલ્યા રોજગારીના દ્વાર
- World Tribal Day 2023: અંગ્રેજોની બર્બરતાનો પુરાવો છે માનગઢ, હજારો આદિવાસીઓના બલિદાનનું મુખ્ય કેન્દ્ર