ખેડા : નડિયાદના મંજીપુરા ગામે રહેતી 32 વર્ષિય યુવતી અંકીતા પટેલ શહેરના મહાગુજરાત હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં નર્સ તરીકે નોકરી કરે છે. ભૂતકાળમાં ઉત્તરાયણ સમયમાં અને તાજેતરમાં નડિયાદની યુવતીનુ પતંગના ઘાતક દોરાથી ગળુ કપાયાની ઘટના બાદ અંકીતાએ પોતાના આઈડીયાથી કેનવાશનો એક બેલ્ટ તૈયાર કર્યો છે. જે ગળાના ભાગે લગાવવાથી ગળુ સુરક્ષિત રહે છે. બેલ્ટની લંબાઈ 18 ઈંચ અને પહોળાઇ 4 ઈંચ છે. કેનવાસ મટીરીયલ હોય દોરી આ બેલ્ટને કાપી શકતી નથી. ખાસ ટુવ્હિલર વાહન ચલાવતી વખતે આ બેલ્ટ બાંધે તો મોટી જાનહાનિ થતાં અટકે છે.
Uttarayan 2024 : નડિયાદમાં પતંગની દોરીથી લોકોને બચાવવા નર્સનું અનોખું અભિયાન, વિના મુલ્યે બાંધશે બેલ્ટ - Uttarayan 2024
ઉત્તરાયણનું પર્વ નજીક છે ત્યારે પતંગની દોરી લોકો માટે જીવલેણ બની રહી છે. ઘાતક દોરીથી લોકોના ગળા કપાતા મોત નીપજવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે જીવલેણ દોરીથી લોકોને બચાવવા નડીયાદની સંવેદનશીલ નર્સ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. યુવતી દ્વારા ગળાના રક્ષણ માટે કેનવાસનો બેલ્ટ બનાવવામાં આવ્યો છે. જેને તે પોતાની સાથે નોકરી કરતા મિત્રોની મદદથી રોડ પરથી પસાર થતાં વાહનચાલકોને વિનામૂલ્યે બાંધી રહી છે.
Published : Jan 12, 2024, 6:41 PM IST
વિના મુલ્યે બેલ્ટ બાંધી આપે છે : હોસ્પિટલની નોકરી તેમજ ઘરના કામ બાદ જે સમય મળે તેમાં અંકિતા આ બેલ્ટ તૈયાર કરે છે. જે બાદ બીજે દિવસે નોકરીમાં બ્રેકના સમયે અંકીતા પોતાના મિત્રો સાથે રોડ પર ઉભી રહે છે. જ્યાંથી પસાર થતા વાહનચાલકોને તેઓ સમજાવીને વિનામૂલ્યે આ બેલ્ટ બાંધી આપે છે.
આ રીતે વિચાર આવ્યો હતો : અંકીતા પટેલ નર્સ તરીકે નોકરી કરતી હોઈ તેણીએ ગયા વર્ષે દોરીને કારણે એક યુવકને અને હમણાં બે દિવસ અગાઉ પોતાની હોસ્પિટલમાં એક યુવતીને દમ તોડતા જોઈ હતી. જેમાં ગયા વર્ષે તો એક યુવકનું પતંગના દોરાથી ગળું કપાતા તે કઈ કહેવા માંગતા હતા પણ કંઈ કહી ન શક્યા અને મોત થયું હતું. જે બાદ તેણીને લોકોના જીવન બચાવવાનો વિચાર આવતા જાતે આ બ્લેટ તૈયાર કર્યા છે. જીવલેણ દોરીથી ઈજા પહોંચતા વાહન ચાલકનું નિસહાય અવસ્થામાં ગણતરીની ક્ષણોમાં કરૂણ મોત નીપજે છે. ત્યારે ઘાતક દોરી સામે મહામૂલા જીવનની રક્ષા કરવાનું અભિયાન આદરી અંકિતાએ પોતાની સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે.