ખેડા : જીલ્લામાં સોમવારે મહેમદાવાદના ખાત્રજ ચોકડી પાસે ટેન્કર ચાલકોએ સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો હતો. તેમજ ખેડા પાસેના નેશનલ હાઇવે પર ટ્રક ચાલકોએ ટ્રકો થંભાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. નવા કાયદા મુજબ અકસ્માતમાં ડ્રાઈવરને 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદાના વિરોધના સૂરો અનેક જગ્યાએ ઉઠ્યા છે. ખાસ કરીને ટ્રક ડ્રાઈવરો જે રોજબરોજ ટ્રક ચલાવતા હોય તે લોકો આ કાયદાથી નાખુશ છે. જેના કારણે અનેક જગ્યાએ ચક્કાજામ કરી ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે.
રસ્તા રોકીને આંદોલન કરાયું : આજે મંગળવારે અમદાવાદ ડાકોર હાઈવે પર મહુધાના મિરઝાપુર ખાતે રોડ પર તમામ ડ્રાઇવરો એકઠા થયા હતા. આ કાયદા અને સજાના વિરોધમાં રસ્તો રોક્યો હતો. તેમજ સૂત્રોચ્ચાર કરી કાયદામાં સુધારો કરવા અથવા તો કાયદો પાછો ખેંચવાની માંગ કરી હતી. મહુધા તાલુકાના નાનકડા મિરઝાપુર ગામમાં 200 જેટલા ટ્રક ડ્રાયવરો છે. જેઓ ટ્રક ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સરકારે આકરી સજાની અને દંડની જોગવાઈ કરતા તેઓ ચિંતિત બન્યા છે.