- નડીયાદમાં પાર્કિંગ બાબતે 2 સમાજના લોકો વચ્ચે થઈ હતી મારામારી
- મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક મહિલાનું થયું હતું મોત
- નડીયાદ કોર્ટે મારામારી અને હત્યાના કેસમાં 44 આરોપીને 10 અને 15 આરોપીને આજીવન કેદ ફટકારી
ખેડાઃ નડીયાદ નજીક આવેલા બિલોદરા ગામમાં વર્ષ 2016માં ભરવાડ અને દરબાર સમાજના લોકો વચ્ચે મારામારી થઈ હતી. તે દરમિયાન એક મહિલાનું મૃત્યુ થયું હતું. તો આ કેસમાં ચુકાદો આપતા નડીયાદ કોર્ટે 59 આરોપીઓને સજા ફટકારી છે.
વર્ષ 2016માં 2 સમાજના લોકો વચ્ચે થયેલી મારામારીના કેસમાં નડીયાદ કોર્ટે 59 આરોપીને સજા ફટકારી આ પણ વાંચો-અમદાવાદના સેટેલાઈટમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે જૂથ અથડામણ, પાંચ લોકો ઈજાગ્રસ્ત
બે સમાજના લોકો વચ્ચે ચૂંટણી બાબતે તકરાર હતી
નડીયાદના બિલોદરા ગામમાં ભરવાડ અને દરબાર સમાજના લોકો વચ્ચે જમીન અને ચૂંટણી બાબતે તકરાર હતી. તે દરમ્યાન વર્ષ 2016માં ગામ નજીક આવેલા મંદિરે કેસરબેન નામના મહિલા દર્શન કરવા ગયા હતા. તે સમયે ગાડી પાર્કિંગ કરવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભરવાડ અને દરબાર સમાજના લોકો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં પાઈપ વડે હુમલો કરતાં કેસરબેનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો-સમીના મોટા જોરાવરપુરામાં થઈ જૂથ અથડામણ, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
44 આરોપીઓને 10 અને 15 આરોપીઓને આજીવન કેદ
આ કેસમાં નડીયાદ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે, જેમાં ન્યાયાધીશ બી. આર. ભટ્ટની કોર્ટમાં સરકારી વકીલ પદ્માબેન દવે તેમ જ સરકારી વકીલ પ્રેમ તિવારીની દલીલોને ગ્રાહ્ય રાખી 59 વ્યક્તિઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તો 44 વ્યક્તિઓને 10 વર્ષ કેદની સજા તેમ જ 15 વ્યક્તિઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તમામ આરોપીઓને નડિયાદમાં આવેલી બિલોદરા જેલ મોકલવામાં આવ્યા છે. એકસાથે ગામના 59 વ્યક્તિઓને સજા થતાં સમગ્ર બિલોદરા ગામમાં સન્નાટો ફેલાયો હતો.