નડિયાદ: સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત નડિયાદ ખાતે વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને પ્રથમ બે પગલાં જેવા કે, પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને બીજુ પગલું કિસાન પરિવહન યોજનાનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ દેવુંસિંહ ચૌહાણ અને જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. કિસાનોને સહાયરૂપ થવા માટે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અમલમાં મૂકી છે.
નડિયાદ ખાતે પાક સંગ્રહ ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનું લોકાપર્ણ ૧) ખેડૂતો અને ખેત મજૂરો માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ યોજના
૨) કિસાન પરિવહન યોજના
૩) મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના
૪) દેશી ગાય આધારીત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી
૫) પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ જીવામૃત બનાવવા કીટ માટેની સહાય
૬) ટપક સિંચાઇ અને કોમ્યુનિટી બેઝ ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવાની સહાય યોજના
૭) વિનામૂલ્યે છત્રી અને શેડ કવર પૂરા પાડવાની યોજનાનો સમાવેશ થાય છે
નડિયાદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, આ સરકાર ખેડૂતો, ગરીબો, પીડિતો, મહિલાઓ, બાળકો અને જરૂરીયાતમંદ નાગરિકોની સરકાર છે. સરકાર તમામ તબક્કે જેને જે સહાયની જરૂર હશે તેની તકેદારી રાખી નાગરિકોને સ્વમાનભેર જીવન જીવવા મદદ માટે તત્પર છે. તેઓએ ખેડૂતોની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, કિસાનોને મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત ખેડૂતોને જરૂરી તમામ સાધન સહાયને આવરી લીધી છે અને તે અંગેની કામગીરી પણ શરૂ કરી દીધી છે.
જ્યારે જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે આ પ્રસંગે ખેડૂતોને મળતા વિવિધ લાભોની વિસ્તૃત જાણકારી આપી જણાવ્યું હતું કે, ખેડૂતોને અનેક પ્રકારની યોજનાઓનો લાભ મળી રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લાના ખેડૂત મિત્રો આ વખતે મબલખ પાકનું ઉત્પાદન કરશે તેવી આશા છે. ખેડા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં પાક સંગ્રહ સ્ટ્રકચરના 5087 લાભાર્થીઓને રૂ. 1525.20 લાખની અને કિસાન પરિવહન યોજના અન્વયે 391 લાભાર્થીઓને રૂ. 234.60 લાખની સહાયના મંજૂરી પત્રો અને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અન્વયે બે તબકકામાં ખેડૂતોને રૂ. 30,000ની સહાય તથા કિસાન પરિવહન યોજના અન્વયે રૂ. 75,000 ની સહાય આપવામાં આવી રહી છે.
આ પ્રસંગે કલેકટરે કાર્યક્રમ દરમિયાન કોવિડ-19ની સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરવા બદલ કાર્યક્રમના આયોજકોની પ્રશંસા કરી હતી. તેમજ ઉપસ્થિત ખેડૂત મિત્રોને માસ્ક, સેનીટાઇઝર અને બે વ્યકિત વચ્ચે યોગ્ય અંતર જાળવવાની કેન્દ્ર અને રાજય સરકારની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું.