નડિયાદમાં રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ અન્વયે પંચાયતી રાજની બેઠક - નડિયાદ જિલ્લા
નડિયાદ: ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલની અધ્યક્ષતામાં સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અન્વયે પંચાયતી રાજના સભ્યો માટેની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના ક્ષય નિયંત્રણ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, 'ટીબી હારેગા- દેશ જીતેગા' તેમજ તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, પોલિયો અને શીતળાની જેમ જ ટીબીને પણ દેશ નિકાલ આપવાનો છે. આ માટે ખેડા જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓની સાથે સાથે જિલ્લાની તબીબી ટીમ પણ ખૂબ જ સરસ કામ કરી રહી છે, પરંતુ હજુ પણ આ બાબતે કટીબદ્ધતા કેળવી ગ્રામ્ય કક્ષાએ ટીબી નાબૂદી માટે સતત પ્રયત્નશીલ રહેવાની જરૂર છે.
જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે જણાવ્યું હતું કે, 2022 સુધીમાં દેશમાંથી ટીબીને નેસ્તનાબૂદ કરવાની સરકારની નેમને આપણે સૌએ સાથે મળીને પોલિયા અને શીતળાની જેમ ભારત દેશમાંથી ટીબીને પણ કાયમી વિદાય આપવાની જરૂર છે. જેના માટે સૌએ ખૂબ જ ખંતથી કામ કરી માનવ જીવનને બચાવવાની જરૂર છે.