ખેડા :નડિયાદ શહેર આઝાદીકાળથી પતંગ બનાવવાના ઉદ્યોગ માટે જાણીતું છે. શહેરમાં ઘરે ઘરે પતંગ બનાવવાના કારખાના અને ગૃહ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. અહીં બનાવેલી પતંગ રાજ્યભરમાં મોકલવામાં આવે છે. નડિયાદ પતંગ ઉદ્યોગનું હબ બન્યું છે. અહીં પતંગ બનાવવાના લગભગ સિત્તેરથી વધુ કારખાના હજારથી વધુ કારીગરોને રોજગારી પૂરી પાડે છે. આ કારખાનામાં કારીગરો આખું વર્ષ પતંગો બનાવે છે.
પતંગ ઉદ્યોગનું હબ : નડિયાદ શહેરમાં પતંગ બનાવવાના સિત્તેરથી વધારે કારખાના આવેલા છે. જ્યાં વિવિધ પ્રકારની પતંગ બનાવવામાં આવે છે. પતંગ બનાવવાના કારખાનામાં કમાન લગાવવાથી માંડી પેપર સ્ટીકર ચોટાડવા જેવી કામગીરી અલગ અલગ વ્યક્તિઓ કરતા હોય છે. બધા કારખાનાઓમાં કુલ મળી હજારથી વધુ કારીગરો વિવિધ કામગીરી કરે છે.
પતંગ બનાવતા કલાકાર : પતંગ બનાવતા કારીગરો પરંપરાગત રીતે પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પતંગ બનાવતા કારીગરોને નંગ દીઠ પતંગ બનાવવાની મજૂરી આપવામાં આવતી હોય છે. પતંગ બનાવવાના ઢઠ્ઠા અને કમાન ખાસ કલકત્તાથી મંગાવવામાં આવે છે. જ્યારે પતંગ બનાવવાનો કાગળ દિલ્હી અને કોલકાતા જેવા શહેરોમાંથી ખરીદી કરવામાં આવે છે.
આખું વર્ષ ધમધમતો ઉદ્યોગ : નડીયાદમાં બનતા પતંગોની રાજ્યભરમાં ભારે માંગ રહે છે. આ માંગને પહોંચી વળવા આખું વર્ષ આ કારખાનાઓ ધમધમતા રહે છે. આખા વર્ષ દરમિયાન પતંગ બનાવવાની કામગીરી ચાલુ રહે છે. પતંગ બનાવવાની કામગીરી ઉતરાયણ બાદ થોડા દિવસ માટે બંધ રહે છે. બાદમાં આખું વર્ષ પતંગ બનાવવાની કામગીરી ચાલુ રહે છે. એક કારીગર મિનિટમાં સાત જેટલા પતંગ બનાવે છે. એક અંદાજ મુજબ નડીયાદમાં રોજની લગભગ બે લાખ જેટલી પતંગો બનાવવામાં આવે છે.
અવનવા પતંગ :સમગ્ર રાજ્યમાંથી પતંગના વેપારીઓ નડિયાદ આવીને પતંગની ખરીદી કરતા હોય છે. આ પતંગોમાં જુદા જુદા રંગ તેમજ ડિઝાઇન ઉપલબ્ધ છે. જે એક રૂપિયાથી લઈ દસ રૂપિયા સુધીની કિંમતમાં મળતા હોય છે. જેમાં ફરાચીલ, સફેદ ચિલ, રંગીન પત્તાચીલ, કાટદાર અને પ્લાસ્ટિક જેવી વિવિધ પ્રકારની પતંગની ભારે માંગ રહે છે. આ વર્ષે સૌથી લોકપ્રિય મોદીજીની પતંગ સાથે ચંદ્રયાનની ડિઝાઇન વાળી પતંગો માર્કેટમાં જોવા મળે છે.
- Makarsankranti 2024 : ઉત્તરાયણ ઢૂકડી છતાં રાજકોટની પતંગ બજારમાં મંદી, કારણ સામે આવ્યું
- Kite Festival : સુરત આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં રામ મંદિરની 75 ફૂટની પતંગ, 97 પતંગબાજના પેચ જામ્યાં