ખેડા: દેશમાં જાહેર કરવામાં આવેલા લૉકડાઉનને સમગ્ર ખેડા જિલ્લામાં વ્યાપક સમર્થન મળ્યું છે. જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો સજજડ બંધ રહેતા સર્વત્ર સન્નાટો જોવા મળી રહ્યો છે. જો કે, શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો હતો. પરંતુ તંત્ર દ્વારા જાગૃતિ તેમજ પોલીસની કાર્યવાહી તથા કોરોના વાઈરસના દિવસેને દિવસે વધી રહેલા કેસોને લઈ તમામ સ્થળે તેની ગંભીરતા જોવા મળી રહી છે.
ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં લૉકડાઉનને વ્યાપક સમર્થન, સર્વત્ર સન્નાટો - કોવિડ-19 ન્યૂઝ ખેડા
દેશ અને દુનિયામાં કોરોના વાઈરસના વધી રહેલા સંક્રમણને લઈને દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લૉકડાઉન દરમ્યાન ખેડા જીલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોનો ચિતાર મેળવીએ.
લૉકડાઉનને પગલે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અહીં જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત બન્યું છે. ખેતીપ્રધાન દેશના લીલોતરી માટે જાણીતા ચરોતર પ્રદેશમાં ગામડાંઓ કોરોનાના કહેરથી સુમસામ ભાસી રહ્યા છે. ધંધા રોજગાર બંધ હોવાથી શ્રમિકો કપરી પરિસ્થિતનો સામનો કરી રહ્યાં છે. કોરોનાના કહેરને પગલે અહીં જગતનો તાત પણ મુશ્કેલીમાં મુકાયો છે. લૉકડાઉનને લઈ ખેતીકામ માટે શ્રમિકો મળવા મુશ્કેલ બન્યા છે. જેને પગલે ખેતીકામ અટકી ગયું છે. સરકાર દ્વારા આવકારવા દાયક પહેલ કરતા આ મુશ્કેલ ઘડીમાં વિવિધ સહાય જાહેર કરી છે. તેને આવકારતાં ધરતીપુત્રો લૉકડાઉન બાદ ખેડૂતો માટે પણ સરકાર કંઈક મદદરૂપ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
મહત્વનું છે કે, કોરોનાને કારણે લૉકડાઉનના પગલે વિવિધ ધંધા રોજગાર બંધ થતાં તમામ વર્ગના લોકો વ્યાપક રીતે પ્રભાવિત થયા છે. ત્યારે તેમાંથી જગતનો તાત પણ બાકાત નથી.