નડીયાદ: ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અને ખેડૂતો માટે અસરકારક કૃષિ વ્યવસ્થાપન- કૃષિ ઉત્પાદકતા વધે, કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂત પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ પાક વૃધ્ધિ તરફ વળે તે માટે રાજય સરકાર દ્વારા આત્મનિર્ભળ પેકેજ જાહેર કરાયું છે. ત્રીજા ચરણના ભાગરૂપે સાત પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજયના કુલ બજેટમાંથી રૂપિયા 2.20 કરોડની નાણાકીય જોગવાઇ ખેડા જિલ્લા માટે કરવામાં આવી છે. તેમ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું.
પંકજ દેસાઇએ કહ્યું કે,પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે અને ચાલુ વર્ષે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતમિત્રો માટે બે યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બે યોજનાઓ અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ માટે રૂપિયા 900 પ્રતિ માસ લેખે વાર્ષિક રૂપિયા 10,800 ની સહાય આપવામાં આવશે.