- ગામમાં કોલેરાનો એક કેસ મળી આવ્યો
- કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ગામને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યુ
- ગ્રામ પંચાયતની બેદરકારી,ગામમાં ગંદકી તેમજ દૂષિત પાણી
ખેડા: જીલ્લાના મુખ્ય મથક નડીયાદ બાદ માતર તાલુકાના સંધણા ગામમાં પણ એક કોલેરાનો કેસ મળી આવ્યો છે.જેને લઈ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરાયુ છે.
ગ્રામ પંચાયતની બેદરકારી
ગામમાં રોગચાળો ફેલાવા પાછળ ગ્રામ પંચાયતની બેદરકાર કામગીરી સામે આવી છે.ગામમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય ફેલાયું છે.આરોગ્ય કેન્દ્રની બહાર જ ગંદકી જોવા મળી રહી છે તેમજ ગામમાં દૂષિત પાણીની પણ સમસ્યા છે.
તાત્કાલિક કાર્યવાહી માટે માર્ગદર્શન આપ્યું
ગામમાં કોલેરાનો એક કેસ આવતા તાત્કાલિક જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેએ ગંભીરતા સમજી ગામની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ તાત્કાલિક કાર્યવાહી કરી સમગ્ર સંધાણા ગામમાં જરૂરી પગલા લીધા હતા. તાત્કાલિક પગલાં સ્વરૂપે સંધાણા ગામમાં સફાઈ,પાણીના નિકાલ અને ફોગિંગ સહિતની કામગીરી આરંભી દેવામાં આવી હતી.
ખેડાના સંધાણા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું અસરગ્રસ્ત પરિવારની લીધી મુલાકાત
તેઓએ અસરગ્રસ્તના ઘરે મુલાકાત લઇ તેઓના ખબર અંતર પુછ્યા હતા. તેમજ ઘરની આસપાસના વિસ્તારમાં સાફસફાઇ તેમજ પીવાના પાણીની લાઇનો,પીવાના પાણીનું કલોરીનેશન કરવા માટે સ્થળ પર ગ્રામ પંચાયતના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.તેમજ તલાટી કમ મંત્રી અને સરપંચને ગંદકી દુર કરવા સાથે દવાના છંટકાવ, ઠેરઠેર ફોગિંગ અને લોકોમાં જાગૃતિ લાવવા જણાવ્યું હતું.
સહિતની કામગીરી હાથ ધરાઈ
રોગચાળો નિયંત્રિત કરવા આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં દરેક વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.સાથે જ આશા બહેનોની મદદથી કોલેરાના બચાવના પગલાની જાણકારી આપવામાં આવી રહી છે.