ખેડા: ગળતેશ્વર તાલુકાના વાડદથી ઠાસરા જવાના રસ્તા પર ગત રોજ સવારે બે ઈસમો અલ્ટો ગાડી લઈ ઉભા હતા. તે દરમિયાન રસ્તા ઉપર જતા લોકોને પોલીસની ઓળખ આપીને પૈસા ઉઘરાવવાનો કારસો રચ્યો હતો.
લોકડાઉનઃ ખેડામાં નકલી પોલીસ બની લોકો પાસે રૂપિયા પડાવ્યાં, 2ની ધરપકડ - કોરોના વાઇરસ ખેડામાં
સરકાર દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે ત્રીજું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે નકલી પોલીસ બની લોકો પાસેથી રૂપિયા પડાવવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યાં છે. જેમાં ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલિસ બની લોકો પાસેથી રૂપિયા પડાવતા બે ગઠીયાઓને પોલીસે અટકાયત કરી છે.
સફેદ કલરની અલ્ટો ગાડી લઈને ઠાસરા જવાના રસ્તા પર ઉભા રહી રસ્તે જતા લોકોને કેમ લોકડાઉનમા નીકળ્યા છો, કેમ માસ્ક નથી પહેર્યુ, બાઇક પર કેમ ત્રણ સવારી છો, તેવું કહીને ખિસ્સા માંથી 500 કે તેથી વધારે રૂપિયા લઈ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતાં હતા. જેમાં એક વ્યક્તિ પાસેથી 500 રૂપિયા લઈને જવા દીધા હતા. તે સમયે શંકા જતા ગામના સરપંચને જાણ કરતા તેઓએ ગામના લોકોને પૂછતાં બેથી ત્રણ વ્યક્તિ જોડેથી પૈસા લીધા હોવાનું સામે આવ્યું હતું. સરપંચે આ અંગે પોલીસને જાણ કરી આ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સેવાલિયા પોલીસે ફરિયાદીએ આપેલા ગાડી નંબરના આધારે તપાસ કરતા ગાડી ઠાસરાની હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસ દ્વારા ગાડી નંબરના આધારે બંને નકલી પોલીસ બનીને સેખી મારતા ભાવેશભાઈ ઈશ્વરભાઈ પટેલ અને જયેશકુમાર પ્રવીણસિંહ પરમાર આ બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.