ખેડા : સુ્પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે આજરોજ વડતાલ સ્વામીનારાયણ મંદિરની પોસ્ટલ સ્ટેમ્પ અને સ્પેશ્યલ કવરનું વિમોચન કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજ દેસાઈ તેમજ વરિષ્ઠ સંતો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્તિકી સામૈયાની પૂર્ણાહુતિ પ્રસંગે ગુજરાતના યાત્રાધામ પૈકી વડતાલધામની સૌ પ્રથમ ટપાલ ટિકીટનું વિમોચન કરાયુ હતું.
વડતાલધામની સૌ પ્રથમ ટપાલ ટિકીટ પોસ્ટલ સ્ટેમ્પ અને સ્પેશ્યલ કવરનું વિમોચન : રાજ્યના એકમાત્ર સુવર્ણમંદિર એવા વડતાલ સ્વામીનારાયણ મંદિરની પોસ્ટલ સ્ટેમ્પ અને સ્પેશ્યલ કવરના વિમોચન પ્રસંગે સંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુંબઈ મંદિર માટે 4 કિલો સોનાના મુગટની અર્પણવિધિ થઈ હતી.
સુવર્ણના મૂગટની અર્પણવિધિ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ચાલતા કાર્તકી સમૈયાની દેવદિવાળીની બપોરે પૂર્ણાહુતિ સત્ર ઐતિહાસિક બની રહ્યું હતું. કથાની સમાપ્તિ બાદ શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી મેતપુરના ભક્તો દ્વારા મુંબઈ મંદિર માટે તૈયાર થયેલા 4 કીલોના સુવર્ણના મુગટની અર્પણવિધિ થઈ હતી.
વ્યક્તિના જીવનમાં ક્યારેક એવી ક્ષણો આવે છે તે જીવનભર યાદ રહેતી હોય છે. મારા જીવનની આ અદ્ભુત ક્ષણ છે, જે મારા વિભાગ તરફથી વડતાલ મંદિરની ટિકીટ તથા સ્પેશ્યલ કવર અનાવરણ કરવાની તક મળી તે મારા અહોભાગ્ય છે. 2024 માં ઉજવાનારા વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવની ટિકીટ તથા સ્પેશ્યલ કવર આવનારી પેઢીઓ સુધી રહેવાની છે. વડતાલધામ મંદિરના ખાતમૂર્હતથી લઈ મંદિરમાં દેવોની પ્રતિષ્ઠા ભગવાન સ્વામિનારાયણે કરી તેના અદ્ભુત ઈતિહાસ વર્તમાનનાં સાક્ષી આપણે સૌ બન્યા છીએ...દેવુસિંહ ચૌહાણ (કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન)
આચાર્ય રાકેશપ્રસાદજીએ આશીર્વચન પાઠવ્યા : આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સંતો અને હરિભક્તોને આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલમાં બાંધેલ કાર્તિકી અને ચૈત્રી સમૈયામાં પોતાના આશ્રિતોને વણતેડે વડતાલ આવવાની આજ્ઞા કરી છે. તા.21 નવેમ્બર
થી તા.27 નવેમ્બર સુધી ચાલેલ કાર્તકી સમૈયામાં આવેલ સૌ સત્સંગી હરિભક્તોનું આરાધ્ય ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ એવં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આપ સર્વેનું મંગલ વિસ્તારે,આપના જીવનમાં શ્રીહરિ સુખ-શાંતિ અર્પે, તેમજ આપનું સ્વાસ્થ્ય નિરોગી રાખે તેવી શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના.
આવતા વર્ષે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે વડતાલધામ સ્વામીનારાયણ સંપ્રદાયની રાજધાની છે. સંપ્રદાયનું સૌથી મોટું તીર્થધામ છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરની સ્થાપના સ્વયં ભગવાન સ્વામીનારાયણ દ્વારા 200 વર્ષ પહેલા 1824માં કરવામાં આવી હતી. સંપ્રદાયની આચારસંહિતા શિક્ષાપત્રીની રચના પણ વડતાલ મંદિર પરિસરમાં કરવામાં આવી હતી. વડતાલધામની સ્થાપનાને આવતા વર્ષે 200ંમા વર્ષની ઉજવણી 7 થી 15 નવેમ્બર દરમ્યાન ધામધૂમપૂર્વક કરવામાં આવશે.
- Salangpur Hanuman Mandir Issue : સંત નૌતમ સ્વામીએ હનુમાનજીના ચિત્રને યોગ્ય ગણાવ્યું
- Kheda News: વડાપ્રધાન મોદી દ્વારા વડતાલ મંદિરની ટપાલ ટિકિટ લૉંચ કરાશે