સુનીલ પરમાર નામના યુવકની શોધખોળ જારી ખેડા : ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાંથી પસાર થતી મહી કેનાલમાં બે યુવક તણાયા હતાં. જેમાંથી એક યુવાનને સ્થાનિક મહિલા દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.જ્યારે ડૂબેલા અન્ય યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે ઠાસરા પોલિસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. એક યુવાન કેનાલમાં તણાઈ રહ્યો હતો જે દરમિયાન તેને બચાવવા જતા અન્ય યુવાન પણ તણાયો હતો.
એક યુવાનને બચાવી લેવાયો : બુધવારે ઠાસરા તાલુકાના મૂળીયાદ પાસે આવેલી મહી કેનાલમાં બે યુવાનો હાથ પગ ધોવા માટે ઉતર્યા હતાં. જે દરમ્યાન પાણીનો પ્રવાહ વધુ હોઈ એક યુવાન કેનાલમાં તણાઈ ગયો હતો. જેને બચાવવા જતા બીજો યુવાન પણ તણાયો હતો. ઘટનાને લઈ સ્થાનિકો કેનાલ પર એકત્ર થઈ ગયા હતા. દરમ્યાન એક મહિલા દ્વારા કેનાલમાંથી એક યુવાનને બચાવી લેવાયો હતો. ઘટનાને લઈ કેનાલ પર પહોંચેલી ઠાસરા પોલિસની ટીમ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં તણાયેલા બીજા યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી.
બંને યુવક આણંદ જિલ્લાના રહેવાસી : મળતી માહિતી મુજબ બંને યુવકો આણંદ જિલ્લાના રહેવાસી હતાં. જેઓ કેનાલ પર જમવા માટે રોકાયા હતાં. જેમાંથી રેહાનખાન પઠાણ નામનો યુવાન આણંદનો જ્યારે સુનીલ પરમાર નામનો યુવક આણંદના સામરખા વાઘપુરાનો રહેવાસી હતો. જેમાંથી સ્થાનિક મહિલા દ્વારા રેહાન પઠાણને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે સુનીલ પરમારની હાલ શોધખોળ ચાલુ છે.
મોડી સાંજ સુધી શોધખોળ કરાઇ :ઠાસરા પોલિસ પાસેથી મળેલી વિગતો મુજબ બંને યુવાનો કેનાલમાં હાથ પગ ધોવા માટે ઉતર્યા હતા. જે દરમિયાન એક યુવાન પાણીમાં તણાયો હતો. જેને બચાવવા જતાં બીજો યુવાન પણ તણાયો હતો. ઘટનાની જાણ થતાં ઠાસરા પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી. કેનાલમાં આગળથી પાણી બંધ કરાવવામાં આવ્યું હતું. ઠાસરા પોલિસ દ્વારા સ્થાનિક તરવૈયાની મદદથી મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરાઈ હતી. જો કે પાણીનો પ્રવાહ વધુ હોઈ યુવાનને શોધવામાં સફળતા મળી નથી.
- Rescue Live Video: ગંગાના પ્રવાહમાં ગુજરાતનો એક શ્રદ્ધાળુ તણાયો, CPU જવાને છલાંગ લગાવી બચાવ્યો જીવ
- પાણીના ધસમસતા પ્રવાહમાંથી યુવકનો આબાદ બચાવ, જૂઓ વિડીયો