- સ્વખર્ચે અને જાતમહેનતે કરી રહ્યા છે સમગ્ર જિલ્લાને સેનેટાઈઝ
- રોજના 12 થી 14 કલાક કરી રહ્યા છે કામગીરી
- એક વર્ષમાં અત્યાર સુધી રૂપિયા 6.5 લાખનો આવ્યો છે ખર્ચ
ખેડાઃ જિલ્લામાં એક ખેડૂત અનોખી રીતે કોરોના સામે બાથ ભીડી રહ્યો છે. સમગ્ર જિલ્લાને કોરોના મુક્ત કરવાની નેમ સાથે આ ખેડૂત દ્વારા જિલ્લાભરમાં સ્વખર્ચે અને જાતમહેનતે સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. નડિયાદ તાલુકાના અરેરા ગામના ખેડૂત દેવેન્દ્ર પટેલ એક વર્ષથી પોતાના ખર્ચે અને મહેનતે સમગ્ર જિલ્લાને સેનેટાઇઝ કરવાની કામગીરી કરી રહ્યાં છે.
5 હજાર ઉપરાંત જાહેર, ખાનગી તેમજ રહેણાંક સ્થળોને કર્યા છે સેનેટાઈઝ
દેવેન્દ્ર પટેલ દરરોજ વહેલી સવારથી જ બાઈક અને પંપ લઈ ઘરેથી નીકળે છે અને શહેર સહિત જિલ્લાના તાલુકા પ્રમાણે ગામડાઓને સેનેટાઇઝ કરવાની કામગીરી કરે છે. જિલ્લામાંથી કોઈ સ્થળેથી ફોન આવે તો ત્યાં પહોંચી સેનેટાઈઝ કરે છે. દિવસ દરમિયાન તેઓ 12 થી 14 કલાક જેટલી કામગીરી કરે છે. વિવિધ ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં ઘર, ગલી, મહોલ્લા અને ફળિયામાં સેનેટાઈઝની કામગીરી કરે છે. અત્યાર સુધી તેઓ 5 હજાર ઉપરાંત ઘરો અને અનેક ગામડાઓ તથા નડિયાદ શહેરના ઘણા વિસ્તારો સેનેટાઇઝ કરી ચુક્યા છે. આ કામગીરીમાં તેઓ અત્યાર સુધી પોતાના સાડા 6 લાખ રૂપિયા ખર્ચ કરી ચુક્યાં છે.
આ પણ વાંચોઃ સુરતના DCP સરોજકુમારીને 'મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો' એવોર્ડ એનાયત
દેવેન્દ્ર પટેલ સ્વખર્ચે જ કામગીરી કરે છે
જિલ્લામાંથી કોઇપણ ફોન કરે એટલે દેવેન્દ્ર પટેલ બાઈક પર પંપ લઇ સેનેટાઈઝેશન માટે પહોંચી જાય છે. તે સિવાયના સમયે વિવિધ જાહેર સ્થળોને સેનેટાઈઝ કરવાની કામગીરી ચાલુ રાખે છે. દેવેન્દ્ર પટેલ સ્વખર્ચે જ કામગીરી કરે છે કોઈની પાસેથી કોઈપણ પ્રકારની અપેક્ષા રાખતા નથી. અત્યાર સુધી એક વર્ષ દરમિયાન તેઓ રૂપિયા 6.5 લાખ ખર્ચો કરી ચુક્યા છે. તેમજ હજી કામગીરી ચાલુ જ છે. તેમની કામગીરીને લઈ લોકો તેમને અવારનવાર મદદ કરવા માટે જણાવે છે. પરંતુ સંવેદનશીલ અને સેવાના ભેખધારી દેવેન્દ્ર પટેલ જરૂર પડશે ત્યારે જણાવીશું કહી આભાર જતાવી પ્રેમથી મદદનો અસ્વીકાર કરે છે.
આ પણ વાંચોઃ રેલવે કર્મચારીઓના કોરોના વોરિયર એટલે સંજય સૂર્યાબલી