નડીયાદ : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો સાથે છેતરપિંડી કરવાનો બનાવ સામે આવવા પામ્યો છે. જેમાં આણંદની એક કોલેજમાં નોકરી કરતા ક્લાર્કની પત્ની,ભાઈ અને મિત્રોને બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર પધરાવી 53 લાખ રુપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ભોગ બનનાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોઈ નોકરી માટે ગાંધીનગર ખાતે મોટા સાહેબને રૂપિયા આપવાની વાત કરી ઠગાઈ કરી હતી. ભોગ બનનારની ફરિયાદના આધારે નડીયાદ ટાઉન પોલિસ દ્વારા પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી એક આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશને સચિનકુમાર નટુભાઈ પરમારે ફરિયાદ આપેલી છે. તેમના પત્ની અને મિત્રોએ જીપીએસસીની પરીક્ષા આપેલી છે. જેમાં તેઓ નોકરી બાબતે લાલચમાં આવી એક વ્યક્તિના રૂ.15 લાખ એમ બે વ્યક્તિના કુલ રૂ.30 લાખ નક્કી કર્યા હતાં. જે બાદ અન્ય મિત્રોના પણ રૂપિયા આપ્યા હતા. આમ ટુકડે ટુકડે રોકડ તેમજ અન્ય બેંકિંગ માધ્યમથી આરોપીઓએ કુલ રૂ.53 લાખથી વધુની રકમ લીધી હતી. જે બાદ નિમણૂકના હુકમો નહી મળતા દબાણ કરતા બનાવટી ઓફર લેટર મોકલતા ફરિયાદીને છેતરપિંડી થઈ હોવાનુ જણાયું હતું. જેને લઈ નડીયાદ ટાઉન પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આ કામે ગુપ્તા સાહેબ તરીકેની પોતાની ઓળખ આપનાર આરોપી હિરેન જશવંતસિંહ ડાભીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે...વી. આર. બાજપેયી (ડીવાયએસપી )
સરકારી નોકરીની લાલચ આપી: આણંદની એક કોલેજમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા સચિનકુમાર નટુભાઈ પરમારની પત્ની નયનાબેન અને ભાઈ સુનિલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. જે દરમિયાન સચિનના મિત્ર અખિલેશ શાહે તેમની મુલાકાત મનદિપસિંહ વાઘેલા સાથે કરાવી હતી. જેમાં મનદિપે જણાવ્યું હતું કે હું ગુપ્તા સાહેબને ઓળખું છું. જે મોટા અધિકારી છે અને તેમના જ હાથમાં બધાંની નોકરી ફાઇનલ કરવાની સત્તા છે. જે માટે તેઓને રૂપિયા આપવા પડશે અને નોકરી ફાઇનલ નહીં થાય તો રૂપિયા પરત મળશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.
થોડા થોડા કરી 53 લાખ પડાવ્યાં : સચિનભાઈ તેઓની વાતમાં આવી ગયા હતા અને નડિયાદ ખાતે મળવા બોલાવી એક વ્યક્તિના રૂ.15 લાખ એમ બે વ્યક્તિના કુલ રૂ.30 લાખ નક્કી કર્યા હતાં. જે બાદ અન્ય મિત્રોના પણ રૂપિયા આપ્યા હતાં. આમ ટુકડે ટુકડે રોકડ તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.53 લાખ આરોપીએ પડાવી લીધા હતાં.