ખેડા : ખેડા જિલ્લાના કપડવંજમાંથી બે સ્થળોએથી 59 સ્ટાર કાચબા મળી આવ્યા હતાં. વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી રક્ષિત શ્રેણીમાં આવતા કાચબાને બચાવવામાં આવ્યા હતાં.વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ બે ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર કાચબા રાખવા બાબતે બાતમી મળતા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો : કપડવંજ શહેરમાં રક્ષિત વન્ય પ્રાણી શ્રેણીમાં સમાવિષ્ટ સ્ટાર કાચબા ગેરકાયદેસર રાખવા બાબતે બાતમી મળતા વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોની ટીમ સાથે મળી સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં કપડવંજ શહેરના ફુલબાઇ માતા રોડ પર અર્બુદાનગર સોસાયટીની પાછળ બળવંતભાઇ ગોવિંદભાઇ પટેલના રહેણાંક મકાનના બગીચામાંથી 24 સ્ટાર કાચબા અને ત્યાર બાદ નાની રત્નાકર માતા રોડ પર આવેલ અર્બુદાનગર સોસાયટીના મકાન નંબર 19,20 કીશન કુમાર બંશીલાલ સામંતાણીના રહેણાક મકાનના બગીચામાંથી 35 સ્ટાર કાચબા મળી આવ્યાં હતાં. વન વિભાગ દ્વારા કાચબાનો કબ્જો લઈ વન વિભાગની કચેરી લાવવામાં આવ્યા હતા. આ કેસમાં સંડોવાયેલા બન્ને ઇસમોને વન વિભાગ દ્વારા અટક કરી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા આ કેસ બાબતે આગળની તપાસ હાલ ચાલુ છે.