સોજાલીના વતની યુવકનું મોત ખેડા : ખેડા જિલ્લામાં શંકાસ્પદ આયુર્વેદિક સીરપ પીવાને લઇ વધુ એક વ્યક્તિનું મોત થવા પામ્યું છે. જેને લઈને કુલ મૃત્યુ આંક છ પર પહોંચ્યો છે. નડીયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન વહેલી સવારે વિપુલ સોઢા નામના યુવાનનું મોત નીપજ્યુ હતું. આ કેસની છાનબીન કરતી પોલીસને વધુ એક ચોંકાવનારી વિગત પણ મળી છે. આ મામલામાં ઝડપાયેલ આરોપીના રિમાન્ડ દરમ્યાન તેની શંકાસ્પદ ફેક્ટરી હોવાનું પણ સામે આવ્યું છે.
સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહેલા મહેમદાવાદના સોજાલીના યુવાનનું મોત નીપજ્યુ છે. તેમજ કેસમાં હાલ ચાલી રહેલી તપાસમાં રિમાન્ડ દરમ્યાન આરોપી યોગેશ સિંધીની મોકમપુરા ખાતે ફેક્ટરી હોવાનું ખૂલતા ફેકટરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે...ડી. એન.ચૂડાસમા ( તપાસ અધિકારી )
બિલોદરા ગામે સીરપ પીતાં અસર થઈ હતી : મૃતક વિપુલ સોઢાએ બિલોદરા ગામે શંકાસ્પદ આયુર્વેદિક સીરપ પીતાં શારિરીક તકલીફો થઇ હતી. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામના 22 વર્ષીય વિપુલ સોઢાનું સારવાર દરમિયાન નડીયાદની સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારે મોત નિપજ્યુ હતું. સોજાલી ગામનો વતની અને તેના મામાના ગામ સિહુંજથી બિલોદરા ગામમાં વિપુલ માંડવી જોવા ગયો હતો. જે દરમિયાન સીરપ પીતાં તેને અસર થવા પામી હતી. જેને લઈ નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાંથી વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે તેનું મોત નિપજ્યુ હતું.
રિમાન્ડ દરમ્યાન આરોપીની શંકાસ્પદ ફેક્ટરી હોવાનું ખૂલ્યું : સમગ્ર મામલે ખેડા પોલીસ એસઆઈટી દ્વારા હાલ ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દરમ્યાન પકડાયેલ ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા દસ દિવસના રિમાન્ડ મેળવાયા છે.રિમાન્ડ દરમિયાન આરોપીની શંકાસ્પદ સીરપ બનાવતી ફેકટરી હોવાનું ખૂલ્યુ છે. નડીયાદ મોકમપુરા ખાતે યોગેશ સિંધીની શંકાસ્પદ ફેકટરી હોવાનું સામે આવ્યુ છે. હાલમાં પોલીસ દ્વારા ફેકટરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. કેસમાં અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શંકાસ્પદ આયુર્વેદિક સીરપ પીવાથી અગાઉ પાંચ મોત થયાં છે : નડીયાદના બિલોદરા ગામે શંકાસ્પદ આયુર્વેદિક સીરપ પીવાથી બિલોદરાના ત્રણ તેમજ બગડુ અને વડદલા ગામના એક એક એમ પાંચ વ્યક્તિના મોત નીપજી ચૂક્યા છે. સીરપ પીવાથી મૃતકોને માથામાં દુખાવો, મોંમાંથી ફીણ આવવુ જેવી તકલીફો થયા બાદ તેમના મોત નિપજ્યા હતાં.
- ખેડામાં સીરપકાંડમાં પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો, ત્રણ આરોપીની ધરપકડ
- ખેડાના બે ગામમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ