એસઆઈટી તપાસનો એકપણ મુદ્દો બાકી નહી રાખે ખેડા : ખેડા જિલ્લામાં શંકાસ્પદ આયુર્વેદિક સીરપ પીવાથી લોકોના મોત થવાના મામલામાં પોલીસ દ્વારા આખરે પાંચ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જીવલેણ સીરપનું ઉત્પાદન, વિતરણ અને વેચાણ કરવા મામલે આ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી હાલ સમગ્ર મામલે વિસ્તૃત તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. હાલ અમદાવાદ ખાતે બે અને નડીયાદ ખાતે એક વ્યક્તિ સારવાર હેઠળ છે.
પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો : ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહીની મિડીયાને જાણકારી આપી હતી. જીવલેણ સીરપનો કાળો કારોબાર કરનારા પાંચ આરોપીઓ વિરૂદ્ધ એસઓજી પીઆઈની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓમાં નડીયાદના યોગેશ પારૂમલ સિંધી, બિલોદરાના નારાયણ ઉર્ફે કિશોર સોઢા( પૂર્વે તાલુકા ભાજપ કોષાધ્યક્ષ ) તેના ભાઈ ઈશ્વરભાઈ સોઢા અને વડોદરાના નિતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી સામે નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જેમાં યોગેશ સિંધી, કિશોર સોઢા અને ઈશ્વર સોઢાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે નિતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીને ઝડપવા કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરાશે તેવી ખાતરીપોલીસ વડા દ્વારા આપવામાં આવી છે.
મામલામાં પાંચ આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ નાના મુદ્દાઓમાં ખૂબ સારી રીતે તપાસ થાય અને જે કોઈ જવાબદાર આરોપીઓ છે તેની વિરૂદ્ધમાં સારી તપાસ થાય અને કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરી શકાય તે માટે એસઆઈટીની રચના કરવામાં આવેલી છે. મૃતક વ્યક્તિનું પીએમ કરાયું હતું તેના બ્લડ સેમ્પલ અને હાલ જે દાખલ છે. તેના બ્લડ સેમ્પલ બંનેમાં મિથાઈલ આલ્કોહોલની હાજરી મળી આવેલ છે. એટલે તે મુજબ સેક્શન એડ કરવામાં આવેલ છે. છેડા ક્યાં પહોંચે છે તેની તપાસ કરાશે તેમજ અમારી એસઆઈટી તપાસનો એકપણ મુદ્દો બાકી નહી રાખે...રાજેશ ગઢીયા ( પોલીસ અધિક્ષક )
વડોદરાથી પહોંચતો હતો નશીલો સીરપ : નડીયાદનો યોગેશ સિંધી મિથાઈલ આલ્કોહોલ યુક્ત કાલમેઘાસવ સીરપની ખોટા અને બનાવટી લેબલ લગાવેલ બોટલો વડોદરાના નિતિન અને ભાવેશ પાસેથી મંગાવતો હતો. યોગેશ બિલોદરાના કિશોર અને ઈશ્વર સોઢાને આ સીરપની બોટલો વેચતો હતો, જેે તેઓ લોકોને વેચતા હતાં.
સીરપ પીડિતો સારવાર હેઠળ : ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાના જણાવ્યા અનુસાર પાંચ લોકોના મોત થયેલા છે. તેમાં વડદલાના એક, બગડુના એક અને બિલોદરાના ત્રણ વ્યક્તિનો સમાવેશ થાય છે. હાલ બિલોદરાના બે વ્યક્તિ અમદાવાદ સિવિલ ખાતે સારવાર માટે દાખલ છે. જ્યારે મહેમદાવાદના સોજાલીના એક વ્યક્તિ નડીયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે હાલ દાખલ છે.
- ખેડાના બે ગામમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
- ખેડામાં આયુર્વેદિક સિરપ પીવાથી 6 લોકોના શંકાસ્પદ મોત મામલે SITની રચના