ખેડા : ખેડા જિલ્લાના માતરના સંધાણા ગામ પાસે નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા બાઈક ચાલકનો અકસ્માત સર્જાયો હતો. તેઓ પોતાની પત્ની અને બાળકી સાથે બાઈક પરથી પસાર થઈ રહ્યા હતાં. તે દરમ્યાન પતંગની દોરીએ બાઈક ચાલકનું ગળું કાપી નાખ્યું હતું. બાઈક ચાલક સાગર રાવળને ગળામાં પતંગનો દોરો ફસાતાં શ્વાસનળી કપાઈ ગઇ હતી અને તેના લીધે ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નિપજ્યુ હતું.
જેતલપુરથી ડભાણ આવી રહ્યાં હતાં : ઘટનાની પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ નડીયાદ તાલુકાના ડભાણ ગામના 27 વર્ષીય સાગરભાઈ રાજુભાઈ રાવળ કેટલાક સમયથી અમદાવાદના જેતલપુર ખાતે પરિવાર સાથે રહે છે. જેઓ પોતાના વતન ડભાણમાં બાધા પુરી કરવાની હોવાથી આજે શનિવારે બાઈક લઈ પોતાની પત્ની અને દીકરી સાથે ડભાણ આવી રહ્યાં હતાં.
દોરીથી શ્વાસનળી કપાતા ઘટના સ્થળે કરુણ મોત : આજે શનિવારના રોજ સાગરભાઈ પત્ની અને દીકરી સાથે બાઈક પર સવાર થઈ જેતલપુરથી ડભાણ જઈ રહ્યા હતાં. જે દરમિયાન નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે સંધાણા ગામ પાસે અચાનક પતંગની દોરી તેમના ગળે ભરાઈ ગઈ હતી. હજુ પરિસ્થિતિ સમજે એ પહેલાં પતંગની દોરીથી તેમની શ્વાસનળી કપાઈ જવાથી ઘટના સ્થળે જ તેમનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.