ખેડાઃ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે મોટે ભાગે માસ્ક પહેરવાનું અને શરીરના અંગોને સેનેટાઈઝ કરવાનું અતિ મહત્વનું છે, ત્યારે લોકડાઉનના કારણે ઘરે રહેતા ખેડા જિલ્લાના વસો ગામના ગણેશ યુવક મંડળના યુવાનોએ કંઈક નવું કરવાની ધગશને પ્રાધાન્ય આપ્યું છે. વસોના અમિતભાઈ અમીન અને તેઓના યુવાન મિત્રો દ્વારા અંદાજે 13,500 જેટલા ગ્રામજનોને નિશુલ્ક માસ્કનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ખેડાના વસોમાં યુવાનોનું પ્રેરણાદાયી કાર્ય, નાગરિકોને નિ:શૂલ્ક માસ્ક વિતરણ અમિતભાઈના જણાવ્યા અનુસાર, વસોમાં રહેતાં નાગરિકો જ્યારે ઘરની બહાર નીકળે, ત્યારે માસ્ક પહેરીને નીકળે તો વાઇરસનો ચેપ લાગવાની શક્યતાઓ ઘટાડી શકાય છે, પરંતુ આવા માસ્ક મેડિકલ સ્ટોર્સમાંથી મોંઘી કિંમત અને સીમિત સ્ટોકના લીધે બધા નાગરિકો તે ખરીદી શકે તેમ નથી તેવું ધ્યાને આવ્યું હતું. જેને લઇ મિત્રો દ્વારા ચલાવવામાં આવતું શ્રી ગણેશ યુવક મંડળના યુવાનો દ્વારા સંયુક્ત રીતે આ બીડું ઝડપવું નક્કી કરવામાં આવ્યું હતું.
ખેડાના વસોમાં યુવાનોનું પ્રેરણાદાયી કાર્ય, નાગરિકોને નિ:શૂલ્ક માસ્ક વિતરણ માસ્ક માટેના મટીરીયલનું કાપડ વસોની બે મંડળીઓ દ્વારા યુવક મંડળને નિ:શૂલ્ક આપવાની બાહેધરી મળતા તેમની પાસેથી જરૂરિયાત મુજબનું કાપડ મેળવી યુવક મંડળના યુવાનો કામે લાગ્યા હતા. ગામમાં સિલાઈનું કામ કરતા દરજી મિત્રો અને ઘરે કામ કરતા બહેનો આ કામમાં ભાગીદાર થયા હતાં. કટીંગના માસ્તર કારીગરોએ જરૂરિયાત મુજબના માસ્કનું કટીંગ કરી આપ્યું તો સીલાઈ કામના માસ્તર કારીગરોએ કટીંગ કરેલ માસ્કનું સિલાઈ કામ કરી આપ્યું હતું.
માસ્ક માટે જરૂરી ઈલાસ્ટીકની દોરી પણ દાતાઓ તરફથી મળી રહેતા યુવાનોના ઉમંગમાં વધારો થયો હતો. ઉત્સાહ વધ્યો હતો અને બે ત્રણ દિવસના ટૂંકાગાળામાં જ માસ્ક તૈયાર થઈ ગયા હતા. હવે ગ્રામ પંચાયતના સહયોગથી વસો ગામના દરેક ઘરે વ્યક્તિ દીઠ માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વસોના યુવાનોનું આ પ્રેરણાદાયી કાર્ય અનેકોને નવી પ્રેરણા પૂરી પાડી રહ્યું છે.