- ગામના વિકાસમાં સરપંચની દિર્ધ દ્રષ્ટિ અને નિર્ણય શક્તિ મહત્વના છે મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ
- 14મા નાણાં પંચના આયોજનના કામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા સરપંચોનું બહુમાન કરાયું
- 4 તાલુકાના સરપંચો રહ્યા ઉપસ્થિત
ખેડા : જિલ્લાના મહેમદાવાદ મુકામે મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ અને ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના મહેમાનપદે ખેડા જિલ્લા પંચાયત આયોજીત મહેમદાવાદ, ખેડા, કપડવંજ અને કઠલાલ એમ ચાર તાલુકા માટે "સંપર્ક સંરપંચશ્રીઓ સાથે"નો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, જેમ દેશના વિકાસમાં વડાપ્રધાનના દિર્ધ દ્રષ્ટિ અને નિર્ણય શક્તિનું મહત્વ છે તેમ ગામના વિકાસમાં સરપંચની દિર્ધ દ્રષ્ટિ અને નિર્ણય શક્તિ મહત્વના છે. ગામના વિકાસ માટે પાયાના કામોને પ્રાથમિકતા આપી તે કામો ત્વરીત અને ગુણવત્તાયુકત રીતે કરવા જોઇએ તો ગામનો સંપૂર્ણ અને સમતલ વિકાસ થાય.
સરપંચોનું બહુમાન કરાયું
મુખ્ય દંડકે 14 મા નાણાં પંચમા ફાળવેલ ગ્રાન્ટના સદઉપયોગ માટે ચારેય તાલુકાના શ્રેષ્ઠ સરપંચોને શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર આપી સત્કાર્યા હતા. હવે જયારે 15 મા નાણાંપંચનો અમલ થવા જઇ રહયો છે. ત્યારે તેના કામોમાં ઘર ઘર પીવાના પાણીના નળથી પાણી અને ગટર વ્યવસ્થાને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. કેન્દ્ર અને રાજય સરકારની 153 જેટલી વિવિધ વિકાસની યોજનાઓની જાણકારી માટે 0261-2300000 નંબર ઉપર ફોન કરવા જણાવ્યું હતું.