ભરૂચ: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે ભરૂચ જિલ્લાના નદીકિનારે આવેલા ગામોમાં પાણી ફરી વળતા ઉભા પાકને વ્યાપક નુકસાન થયું હતું. પૂરના પાણીને એક સપ્તાહ કરતા વધુ સમય થઇ ગયો છે, છતાં અંકલેશ્વર તાલુકાના કેટલાક ગામોમાં હજુ પણ ખેતરોમાં પુરના પાણી ભરાયેલા છે.
ભરુચઃ નદીમાં પૂરના પાણી ઓસરી ગયા છતા ખેતરોમાં પાણી પાણી - ભરૂચ વરસાદના સમાચાર
ભરૂચ જિલ્લામાં આવેલા પૂરના કારણે અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા હતા. પૂરના પાણી હાલમાં ઓસરી તો ગયા છે પરંતુ હજુ કેટલાય એવા વિસ્તારો છે જ્યાં પાણી હજુ ઉતર્યા નથી. પૂરના કારણે અનેક ધરતીપુત્રોની જમીન ધોવાણમાં જતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
અંકલેશ્વર તાલુકાના જૂના તરીયા ગામ ખાતે ખેડૂતોની 200 એકરથી વધુ જમીન ધોવાણમાં ગઈ છે અને પુરના પાણી ફરી વળતા મોટા પાયે પાકને નુકસાન થવા પામ્યું છે. હજુ પણ પુરના પાણી ન ઓસરતા ખેડૂતો લીલા દુકાળનો અનુભવ કરી રહ્યા છે. હાલમાં સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે અને સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. જોકે ધરતીપુત્રો માની રહ્યા છે કે ડેમ સંચાલકોના અણઘડ આયોજનના કારણે આ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જો વ્યવસ્થિત પણે નદીમાં પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું હોત તો પુરની સ્થિતિ ન સર્જાઈ હોત અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો ન આવ્યો હોત. હાલ તો સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી આશા લગાવીને ધરતીપુત્રો બેઠા છે.