- ગૃહ પ્રધાને કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ સમીક્ષા કરી
- પ્રદિપસિંહ જાડેજાએ અનારા, પીઠાઇ અને છીપડીની મુલાકાત લીધી
- ગૃહ પ્રધાને દર્દીઓની ખબર અંતર પુછી સાંત્વના પાઠવી
ખેડા: જિલ્લામાં "મારું ગામ કોરોના મુકત ગામ"ની ભાવનાને જિલ્લામાં ગામે ગામ સરપંચો અને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ગામોમાં સ્વૈચ્છીક લોકડાઉન અને ગામમાં જ નાનકડા કોવિડ કેર સેન્ટરો ઉપરાંત 10 ગામોને આવરી લઇ મોટા કોવિડ કેર સેન્ટરો કાર્યરત કરેલ છે. કોવિડ સેન્ટરો મેડિકલ સેવા તેમજ અન્ય સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. જેમાં અનારા, છીપડી અને પીઠાઇ ગામમાં કોવિડ કેર સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. તેમાં ગામના સામાન્ય તાવવાળા તેમજ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર થઇ રહી છે.
આ પણ વાંચો:ખેડામાં કોરોનાની પરિસ્થિતિને લઈ ગૃહપ્રધાને બેઠક યોજી
ગામે ગામ કોવિડ દર્દીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાઈ: ગૃહ પ્રધાન
રવિવારે ગૃહ રાજય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, "મારું ગામ કોરોના મુકત ગામ"ના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સંદેશની ભાવના મુજબ ગામે ગામના ગ્રામજનોને સામાન્ય તાવ, શરદી, ઉધરસ હોય તેઓને આરોગ્ય સર્વેમાં શોધી કાઢીને કોવિડ સેન્ટરમાં નિયત સારવાર આપી વધુ સંક્રમીત થતા બચાવવા તેમજ કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને પણ કોવિડ કેર સેન્ટરે લાવી સારી દવા, સારવાર અને ખોરાક, ફ્રુટ વગેરે પુરૂં પાડી તેને વધુ બિમાર પડતા અટકાવવાની અને વહેલી તકે સાજા કરવાની વ્યવસ્થા કરાઇ છે. હાલ તમામ ગામે કોવિડ કેર સેન્ટરમાં 8 જેટલા બેડ આપી તમામ સગવડતા પુરી પાડવામાં આવી છે. જયારે, ગામના દાતાઓ દ્વારા પણ કોવિડ કેર સેન્ટરમાં શક્ય યોગદાન આપવામાં આવી રહ્યું છે.