ડાકોરઃ રાજ્ય સરકાર દ્વારા 10 જાન્યુઆરીથી ભિક્ષુકો માટે પરિપત્ર જાહેર કરાયો છે. જોકે, આજે પણ યાત્રાધામ ડાકોરમાં અનેક ભિક્ષુકો મંદિર બહાર ભીખ માંગતા જોવા મળી રહ્યા છે. શક્ય છે કે, રાજ્યમાં અન્ય ધાર્મિક સ્થળોએ પણ આ જ સ્થિતિ જોવા મળતી હોય છે. ડાકોરમાં પૂનમ કે કોઇ મોટો તહેવાર હોય ત્યારે ભિક્ષુકોની લાંબી કતાર જોવા મળતી હોય છે. એક પરિપત્રને કારણે તેની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ મંદિર બહાર ભિક્ષુકો જોવા તો મળે જ છે એ સ્વાભાવિક છે. ભિક્ષુકો આવા કોઈ નિર્ણય કે પરિપત્રથી અજાણ હોય તેવું બની શકે.
સરકારના પરિપત્રને લઇ વિવિધ મત પ્રવર્તી રહ્યા છે. આ અંગે ડાકોર મંદિરના મેનેજર સરકારના આ નિર્ણયને વધાવી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, ભિક્ષુકો ન બેસે તે નિર્ણય યોગ્ય છે, પરંતુ સરકારે તેમને કોઇ સગવડ આપવી જોઇએ. તેમણે જણાવ્યું કે, વિવિધ સંસ્થાઓ મારફતે સરકારે ભિક્ષુક પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે પગાલ લેવા જોઈએ.