અમદાવાદ-મહેમદાવાદ હાઈવે પર મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે દેશનું આ સૌથી વિશાળ સિદ્ધિ વિનાયક મંદિર છે. ભગવાન ગણેશજીની વિશાળ મુખાકૃતિ આકારનું મંદિર ચાર માળનું છે.
અહીં ગણેશની મુખાકૃતિવાળું દેશનું સૌથી મોટું સિદ્ધિ વિનાયક મંદિર
મહેમદાવાદઃ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં ગણેશજીની મુખાકૃતિનું સ્થાપત્ય ધરાવતુ અનોખું તેમજ દેશનું સૌથી મોટું સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. જે શ્રદ્ધાળુઓ માટે આસ્થા તેમજ તેના વિશિષ્ઠ સ્થાપત્યને કારણે આકર્ષણનુ કેન્દ્ર બન્યું છે.
આ સિદ્ધિ વિનાયક મંદિરનું નિર્માણ પુરોહિત પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા તેમની માતા ડાહીબાની ભગવાન સિદ્ધિ વિનાયક પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ભક્તિથી પ્રેરિત થઈ આ મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું હતું. મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિરથી જયોત લાવી વાત્રક નદીના કિનારે અંદાજે રૂપિયા ૧૪ કરોડના ખર્ચે ૬ લાખ સ્કવેર ફીટના વિસ્તારમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે. જેનું નિર્માણ કાર્ય એક વર્ષ સુધી ચાલ્યું હતું.
આ ચાર માળ જેટલું વિશાળ મંદિર ૧૨૦ ફૂટ લંબાઈ, ૭૧ ફૂટ ઉચાઈ અને ૮૦ ફૂટ પહોળાઈ ધરાવે છે. ૫૬ ફૂટની ઉચાઈએ મંદિરના ચોથા માળે ભગવાન સિદ્ધિ વિનાયકની પ્રતિમા સ્થાપિત થયેલી છે. આ અનોખું મંદિર હાલ લોકપ્રિય અને જાણીતું ભવ્ય દેવસ્થાન બન્યું છે. અહીં મંગળવારે તથા ગણેશ ચતુર્થી તેમજ વિવિધ તહેવારો પર દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં ભકતોની ભીડ ઉમટે છે.