ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાકોરમાં યુવાનો દ્વારા શરૂ કરાયું ગોમતી શુદ્ધિકરણ અભિયાન - લોકડાઉન 5

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા પવિત્ર ગોમતી તળાવના શુદ્ધિકરણ માટે કરોડોના આંધણ બાદ હાલની સ્થિતિ એની એ જ છે. પવિત્ર તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. જોકે, તંત્ર દ્વારા અવાર નવાર સ્વચ્છતા અભિયાનના દાવા બાદ પણ અહીં ગંદકી જોવા મળવી સામાન્ય બની છે. લોકડાઉનના સમય દરમિયાન દર્શનાર્થીઓની અવરજવર બંધ હતી ત્યારે ગોમતીના શુદ્ધિકરણની કામગીરી થઈ શકી હોત. પરંતુ તંત્ર તે પણ ચુક્યું છે. શહેરના યુવાનો દ્વારા સ્વૈચ્છિક રીતે ગોમતી શુદ્ધિકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીમાં યુવાનો સાથે સ્થાનિકો પણ જોડાયા છે અને છેલ્લા 15 દિવસથી કામગીરી ચાલી રહી છે.

ડાકોરમાં યુવાનો દ્વારા શરૂ કરાયું ગોમતી શુદ્ધિકરણ અભિયાન
ડાકોરમાં યુવાનો દ્વારા ગોમતી શુદ્ધિકરણ અભિયાન

By

Published : Jun 2, 2020, 12:24 PM IST

Updated : Jun 2, 2020, 10:19 PM IST

ખેડાઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિર સામે આવેલા પવિત્ર ગોમતી તળાવનું શ્રદ્ધાળુઓમાં વિશેષ મહત્વ રહેલું છે. ડાકોરના ઠાકોર રણછોડરાયજી જ્યારે દ્વારકાથી ડાકોર આવ્યા ત્યારે દ્વારકાના બ્રાહ્મણો ભગવાનને લેવા ડાકોર આવ્યા ત્યારે ભગવાન પવિત્ર ગોમતીજીમાં સંતાયા હતા. ત્યારથી ડાકોરમાં આવનારા ભક્તો રણછોડજીના દર્શન કરી ગોમતીજીમાં સ્નાન કરતા હોય છે. પણ હાલ ગોમતીજીમાં ગંદકી જોઈ સ્નાન કરવાની વાત તો દૂર કોઈ ગોમતીજીમાં ઉતારવા પણ તૈયાર નથી. ગોમતીજીમાંથી ગંદકી દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પણ કોઈ કોન્ટ્રાક્ટર ગોમતીજીમાંથી ગંદકી દૂર કરી શક્યું નથી.

કોરોનાની મહામારીને લઈ સમગ્ર દેશમાં લોકડાઉન હતું. ત્યારે ડાકોરના યુવાનો દ્વારા ગોમતીજીને શુદ્ધ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન શરૂ કરતા જેમ-જેમ બધાને ખબર પડી તેમ તેમ લોકો આ અભિયાનમાં તન મન અને ધનથી જોડાયા અને છેલ્લા 15 દિવસથી ચાલતા આ અભિયાનમાં 50થી વધુ લોકોનો સાથ સહકાર મળ્યો હતો. ડાકોરના સંત સહિત હાલ આ અભિયાનમાં 50થી વધુ લોકો નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, લોકડાઉનને લઈને યાત્રાધામમાં ભાવિકોની અવરજવર બંધ હોઈ સમયનો સદુપયોગ કરી યુવાનો દ્વારા ગોમતી તળાવનું શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે. જો કે સ્વચ્છતા અભિયાનના દાવા કરતું તંત્ર આ તક પણ ચૂક્યું છે.

ડાકોરમાં યુવાનો દ્વારા શરૂ કરાયું ગોમતી શુદ્ધિકરણ અભિયાન
Last Updated : Jun 2, 2020, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details