ખેડાઃ સોશિયલ મીડિયા એપ મારફતે અમદાવાદની નર્સ સાથે મિત્રતા કેળવી લગ્ન કરવાની લાલચ આપી, છેતરીને તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે ઘટનામાં ખેડાની ઠાસરા પોલીસ દ્વારા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા ઠાસરા તાલુકાના વિસનગરના હિતેન્દ્ર પરમાર નામના યુવાન દ્વારા અમદાવાદ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી મહિલા સાથે મિત્રતા કેળવી હતી અને પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આરોપી હિતેન્દ્ર પરિણીત હોવાની નર્સને જાણ થતાં તે અંગે બંને વચ્ચે વિવાદ થયો હતો. જે બાદ બંને વચ્ચે સમાધાન થયું હતું. ત્યારબાદ હિતેન્દ્ર પરમારને લગ્ન કરી લેવાનું જણાવતા તેણે કહ્યું હતું કે, થોડો સમય રાહ જુઓ આપણે લગ્ન કરી લઈશું તેમ કહી વાયદો કર્યો હતો.
નર્સ સાથે મિત્રતા કેળવી લગ્ન કરવાની લાલચ આપી છેતરીને હત્યા કરવાનો પ્રયાસ આ ઉપરાંત ફરિયાદી નર્સ અમદાવાદ હોસ્પિટલમાં નોકરી પૂરી કરીને ઘરે આવી હતી, તે વખતે આરોપીએ મોબાઈલ ઉપર ફોન કરી તારી શુટકેસ મારી પાસે છે તો હું આપવા આવ્યો છું અને રબારી કોલોની રસ્તા ઉપર ઉભો છું તું આવીને લઈ જા તેમ કહી બોલાવી બાદમાં ફરવા જવાનું કહી એક્ટીવા પર બેસાડી અમદાવાદથી કઠલાલ થઈ પાવાગઢથી વડોદરા લઈ ગયો ત્યાર બાદ આણંદ અને આણંદથી પોતાના ગામ ઠાસરાના વિસનગર ખાતે લઇ આવ્યો હતો. જ્યાં ગામની નહેર ઉપર રાત્રીના સાડા આઠેક કલાકે વાતચીત કરતાં તને તરતા આવડે છે કે, કેમ તેમ પૂછી આરોપીએ કહ્યું કે તું મરી જઈશ પછી હું શાંતિથી જીવી શકી તેમ કહી નહેરમાં ધક્કો મારી દીધો હતો. નહેરમાંથી બહાર નીકળી જવા પ્રયત્ન કરતાં તેણે ફરીથી નહેરમાં ધક્કો મારી પાણીમાં પડતા બચાવોની બૂમો પાડતા એક સ્થાનિક ગ્રામજન દ્વારા દોરડાથી બચાવવામાં આવી હતી.
જ્યારે આરોપી એકટિવા લઈ ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના મામલે ઠાસરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ઠાસરા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.