સમગ્ર વિશ્વમાં સોલાર ઊર્જા ઉત્પન્ન કરતી ખેડૂત સહકારી મંડળી સ્થાપના કરવાની નવતર પહેલ 1500ની વસ્તી ધરાવતા નાનકડા ઢૂંડી ગામે ફેબ્રુઆરી 2016માં કરી છે. આ સોલાર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળીમાં 16 ખેડૂત સભાસદ છે. જે પૈકી 9 ખેડૂતોને કોલંબો બેઝ ઈન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ- ટાટા વોટર પોલિસી પ્રોગ્રામ આણંદ દ્વારા નેશનલ સોલાર પાવર મિશન હેઠળ 95% સહાયથી સોલાર સિસ્ટમ પૂરી પાડવામાં આવી છે. આ મંડળીમાં 3 ખેડૂતો એક વર્ષ બાદ જોડાયા છે. આ સોલાર ઊર્જા મંડળીમાં 71.4 કિલો વોટના 9 સૌર ઊર્જા પ્લાન્ટમાં આવેલા છે. જેમાં રોજનું 350 યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ મંડળીના સભાસદ ખેડૂતોએ અત્યાર સુધીમાં 2.9 લાખ યુનિટ સૌર ઊર્જાનું MGVCLને વેંચાણ કર્યું છે. જેમાંથી મંડળીને છેલ્લા ત્રણ વર્ષમાં 12 લાખની આવક થઈ છે.
ખેતરમાંથી અનાજની સાથે સૌર ઉર્જા ઉત્પન્ન કરતા અહીંના ખેડૂતો - soalr power project in dhundhi village
ખેડાઃ ગુજરાતમાં દુધ, ખેતી, વન પેદાશ, હાઊસીંગ ધિરાણ તેમજ બહુક્ષેત્રમાં અનેક સહકારી મંડળીઓ કાર્યરત છે, પરંતુ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુંડી ગામના ખેડૂતોએ ખેતરમાંથી અનાજની સાથે વીજળી પણ ઉત્પન્ન કરતી વિશ્વની પ્રથમ સોલાર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરી છે. જેથી આ ગામને વિશ્વમાં 'પ્રથમ મોડેલ સોલાર વિલેજ' તરીકે ઓળખવામાં આવે છે.
![ખેતરમાંથી અનાજની સાથે સૌર ઉર્જા ઉત્પન્ન કરતા અહીંના ખેડૂતો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4510926-thumbnail-3x2-kheda2.jpg)
આ ગામના ખેડૂતો સૂર્ય ઊર્જાની મદદથી ખેતી તેમજ ઘર વપરાશ માટે સરળતાથી વીજળીના ઉત્પાદનમાં સ્વનિર્ભરતા મેળવવાની સાથે વધારાની વીજળીનું વેંચાણ કરી વધારાની આવક પણ રળે છે. ખેડૂતો આ સૌર ઉર્જાનો સિંચાઈ માટે જરૂરિયાત મુજબ ઉપયોગ કરે છે. ત્યાર બાદ જે વીજળી સરપ્લસ રહે તેને ગ્રીડ મારફત MGVCLને 4.63 રુપીયાના દરે વેંચાણ કરે છે.
ઢુંડી ગામના ખેડૂતો પહેલા સિંચાઈ માટે ડીઝલ પંપનો ઉપયોગ કરતા હતાં. જેમાં તેમને દરરોજ 500થી 700 રુપીયાનો ખર્ચ થતો હતો, પરંતુ સૌર ઊર્જાથી ખેડૂતોને સમય અને નાણાંનો જે વ્યય થતો હતો તેની બચત થઈ છે. સૂર્ય ઉર્જાથી અડધા ખર્ચમાં સિંચાઈ થઈ જાય છે તેમજ પર્યાવરણને પણ નુકસાન થતું નથી. ગ્રીન અને ક્લીન એનર્જી મળવાની સાથે પ્રદૂષણ થતું અટક્યું છે અને ખેતરમાં પાણી વાળવા માટે રાત્રે ઉજાગરા પણ કરવા પડતા નથી. સૌર ઊર્જાના ઢુંડીના અનુકરણીય મોડલ બાદ કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં કુસુમ અને રાજ્ય સરકારે પર્યાવરણને અનુરૂપ ખેડૂતલક્ષી એવી સ્કાય યોજના પણ અમલમાં મૂકી છે.