ખેડાઃ રોગ પ્રતિરોધક હોમિયોપેથીક દવાઓનું નિશુલ્ક જાહેર વિતરણ ખેડા જિલ્લા હોમિયોપેથીક વિભાગ દ્વારા શરૂ કરાયું હતું. આ પ્રકારે નિશુલ્ક જાહેર વિતરણ રાજ્યમાં સૌપ્રથમ ખેડા જિલ્લા વહીવટીતંત્ર અને આયુષ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયું છે. જે કાર્ય રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પથદર્શક સાબિત થઇ રહ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓ જેવા કે, મહીસાગર, વડોદરા, પંચમહાલ, પોરબંદર સહિતના જિલ્લામાં આ પદ્ધતિએ હોમયોપેથીક દવાનું જાહેર વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર તથા આયુષ શાખા ગાંધીનગરની સૂચનાથી જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીના માર્ગદર્શનથી રોગ પ્રતિરોધક હોમિયોપેથીક દવાનું વિતરણ ખેડા જિલ્લાના વિવિધ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવ્યું હતું. આ દવાનું વિતરણ ત્રણ તબક્કામાં કરવામાં આવ્યું હતું.
રાજ્યના જિલ્લાઓ માટે પથદર્શક બનેલી ઘરે ઘરે દવા પહોંચાડવાની મહાકાવાયત
ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન અટકાવવા માટે ઘરે-ઘરે હોમિયોપેથીક દવાનું વિતરણ કરવાની મહાકવાયત હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં કોરોના સામેની લડતને વધુ સઘન બનાવવામાં આવી રહી છે. હાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ખેડા જિલ્લા આરોગ્ય કર્મીઓ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધે તેવી હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ લોકોને બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા તેમજ વારંવાર હાથ ધોવા સહિતની સતર્કતા અંગે પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે.
પ્રથમ તબક્કામાં જિલ્લામાં આવેલ ક્વોરન્ટઇન સેન્ટરમાં હોમયોપેથીક દવા આપવામાં આવી હતી. બીજા તબક્કામાં અતિ જોખમી હોય તેવા લોકોને આ દવા આપવામાં આવી હતી. ત્રીજા તબક્કામાં બાકી રહેલા તમામ લોકોને એટલે કે, સામાન્ય નાગરીકોને આ રોગ પ્રતિરોધક હોમિયોપેથીક દવા આપવામાં આવી હતી. ઉપરાંત સાવચેતીના પગલાં વિશે સમજ આપવામાં આવી હતી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરના સંકલનથી આરોગ્ય સ્ટાફ અને આશા વર્કર દ્વારા તમામ લોકોને ઘરે ઘરે જઈ આ રોગ પ્રતિરોધક હોમિયોપેથીક દવા આપવામાં આવી હતી.
મહત્વનું છે કે, જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસને લઈને તંત્ર દ્વારા આરોગ્ય સર્વે, સેનેટાઇઝેશન સહિતની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશન અટકાવવાના ભાગરૂપે આ મહાકવાયત શરુ કરાઈ છે. જેમાં અત્યાર સુધી સમગ્ર ખેડા જિલ્લામાં આશરે 5 લાખ 40 હજાર પેકીંગ યુનિટ મારફતે 58 લાખ ઉપરાંત દૈનિક ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે.