- સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ માટેના સહિયારા પ્રયાસો
- નાયબ મુખ્યપ્રધાને ગુણવત્તાલક્ષી શિૅક્ષણ પુરુ પાડવા શિક્ષકોને કર્યો અનુરોધ
- રાજ્ય સરકાર દ્વારા સુવિધાયુક્ત શાળાનું નિર્માણ
ખેડા:નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે આ નવીન શાળા માટે અભિનંદન આપતા કહ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા અત્યંત આધુનિક સવલતોવાળી શાળાઓનું નિર્માણ રાજ્યભરમાં થઇ રહ્યુ છે ત્યારે સૌ વાલીઓ, આગેવાનો પણ રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ માટે સંગીન પ્રયાસો કરી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એ માટે કટિબદ્ધ બનવા ભારપૂર્વક જણાવ્યુ હતું. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ છે કે રાજ્યના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ મહત્વનું પરિબળ પુરવાર થઇ રહ્યુ છે. રાજ્ય સરકાર શિક્ષણનો વ્યાપ વધારવા શ્રેષ્ઠ માળખાગત સવલતો આપે છે. ત્યારે શિક્ષકોએ પણ ગુણવત્તાલક્ષી શિક્ષણ આપીને વિદ્યાર્થીઓના ઘડતર માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવું અત્યંત અનિવાર્ય છે.
રાજ્ય સરકાર દ્વારા સુવિધાયુક્ત શાળાનું નિર્માણ
શિક્ષણપ્રધાન ચુડાસમાએ કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ પુરુ પાડવા માટે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવ્યુ છે જેના પરિણામે વિદ્યાર્થીઓને સુંદર સગવડ પૂરી પાડવા માટે આવા નવીન ભવનોનું નિર્માણ રાજ્યભરમાં કરાઇ રહ્યુ છે. છીપીયાલ ખાતે નવીન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા બે માળમાં નિર્મીત થઇ છે.જેમાં ચાર ક્લાસરૂમ, લાયબ્રેરી, કોમ્પ્યુટર રૂમ, લેબોરેટરી, વિદ્યાર્થીનીઓ માટે અલાયદો રૂમ, પ્લે ગ્રાઉન્ડ, પાર્કિંગ સહિત લેડીઝ અને જેન્ટ્સ અલગ અલગ ટોઇલેટ બ્લોક અને વોટર કુલરની સુવીધા ઉભી કરાઇ છે.
લોકડાઉનમાં શિક્ષકોએ ઘર સુઘી પહોચાડ્યું હતું શિક્ષણ
શિક્ષણપ્રધાને ઉમેર્યુ કે રાજ્ય સરકારે સુંદર વ્યવસ્થા ઉભી કરીને ઘરઆંગણે જ ખાનગી શાળાને ટક્કર આપે એવી સુવિધાયુક્ત શાળા આપી છે ત્યારે મારા સૌ સાથી શિક્ષકો પણ એનો યોગ્ય ઉપયોગ કરી શિક્ષણ સુવિધા આપે એ જરૂરી છે. તેમણે ઉમેર્યુ કે,કોરોનાના કપરા કાળમાં લોકડાઉન દરમિયાન તમામ વ્યવહારો બંધ હતા એ સમયે ૧૫-૧૬ માર્ચ થી શાળાઓ બંધ હતી ત્યારે ૧૦ દિવસમાં જ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અભ્યાસક્રમનું મટીરીયલ તૈયાર કરીને સ્માર્ટફોન દ્વારા શિક્ષકો, વાલીઓને પહોંચાડવુ તથા જ્યાં કનેક્ટીવીટી ન હોય ત્યાં ઘરે ઘરે જઇને શિક્ષણ પહોંચાડવાનું અદભૂત કામ થયુ તે માટે આપ સૌ અભિનંદનને પાત્ર છો. આ પ્રસંગે છીપીયાલ ખાતેથી ધારાસભ્ય કાળુસિંહ ડાભી અને જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલે પ્રાસંગીક પ્રવચન કરી રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. છીપીયાલ ખાતે જિલ્લાના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.