ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળી ગયુ હતુ. આ મિશ્ર પાણી પીવાના કારણે ગામમાં ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફેલાઈ ગયો છે.
ગળતેશ્વરના વાડદમાં દૂષિત પાણીના પગલે રોગચાળો, 2ના મોત - kheda
ખેડાઃ ગળતેશ્વરના વાડદમાં રોગચાળો બેકાબુ બન્યો છે. પીવાનું પાણી દૂષિત હોવાના કારણે ફેલાયેલ ઝાડા-ઉલ્ટીના રોગચાળાથી તંત્ર પણ ચિંતિત બન્યુ છે. અત્યાર સુધી કુલ 112 કેસ નોંધાયા છે, જ્યારે 2 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
એકાએક આ સ્થિતિ ઉભી થયા બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો સપડાયા છે. આ ઘટનાને પગલે આરોગ્ય તંત્ર પણ સચેત બન્યુ છે. તેમજ સતત સારવાર આપવામાં આવી રહી છે, છતાં સ્થિતિ કાબુમાં આવી નથી, જેના કારણે આરોગ્ય તંત્ર સહિત જિલ્લા આરોગ્ય તંત્ર ચિંતિત બન્યુ છે. આ સ્થિતિની જાણ થતા જ જિલ્લા વિકાસ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા, જ્યાં તાત્કાલિક વાડદ ગ્રામ પંચાયતને 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી આપી છે. જેનાથી લોકોને ઉત્તમમાં ઉત્તમ સારવાર પહોંચાડવા માટે નિર્દેશ કરી દેવાયા છે.
આમ છતાં વાડદમાં ભયજનક રીતે ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાઈ રહ્યાં છે. છેલ્લા 20 દિવસમાં રોગચાળાના કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. બે દિવસ અગાઉ ગામમાં એક બાળકનું પણ મૃત્યુ થયું હતુ, પરંતુ તેના વાલીવારસના જણાવ્યા અનુસાર તેનું મૃત્યુ ઝાડા-ઉલ્ટી નહીં પરંતુ તાવ અને ખેંચો આવતા થયુ છે. ત્યારે હાલ તો સ્થિતિ કાબુમાં આવી નથી, તાલુકા અને જિલ્લા તંત્ર હવે કોની વ્હારે જાય છે, તેમજ રોગચાળો કેવી રીતે અટવાશે તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યા છે.