ડાકોરમાં દિવાળી મહાપર્વનો પ્રારંભ ડાકોર: આજથી દિવાળીના મહાપર્વનો પ્રારંભ થયો છે, ત્યારે યાત્રાધામ ડાકોર ખાતે શ્રીરણછોરાયજી મંદિરમાં દિવાળી મહાપર્વની વિશેષ ઉજવણી શરૂ થઈ છે. દિવાળી પર્વ નિમિત્તે મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. પરંપરા મુજબ દિવાળીના પાંચ દિવસ ભગવાન વિશેષ શણગાર કરી ભાવિકોને મનમોહક દર્શન આપશે.દિવાળીના દિવસે મંદિરમાં હાટડી ભરાશે અને ચોપડા પૂજન થશે. જ્યારે બેસતા વર્ષે ભવ્ય અન્નકૂટ ભરાશે.
પાંચ દિવસ ભગવાનને વિશેષ શણગાર: યાત્રાધામ ડાકોર ખાતે દર વર્ષે દિવાળી પર્વની ભાવભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવે છે. દિવાળી નિમિત્તે સમગ્ર મંદિરને રંગબેરંગી રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે. દિવાળીના પાંચ દિવસ રાજાધિરાજને કિંમતી વસ્ત્રો તેમજ વિવિધ રત્નો અને આભૂષણોનો સુંદર શણગાર કરવામાં આવે છે.આજથી રાજાધિરાજ ભાવિકોને અલગ અલગ મનમોહક સ્વરૂપે દર્શન આપશે.
હાટડી અને અન્નકૂટ: દિવાળી પર મંદિરમાં ચોપડાપૂજન કરવામાં આવે છે, અને ભગવાન રણછોડરાયજી વેપારી સ્વરૂપે બિરાજમાન થાય છે અને તેમની હાટડી ભરાઈ છે. જ્યાં ભાવિકો દર્શન કરવા સાથે રાજાધિરાજ પાસે પોતાની હૂંડી લખાવી ધન્યતા અનુભવે છે. ભાવિકોમાં હાટડી દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે.પરંપરાગત રીતે મંદિરમાં બેસતા વર્ષે ભવ્ય અન્નકૂટ ભરવામાં આવશે.આ અન્નકૂટ દર્શનનો પણ વિશેષ મહિમા રહેલો છે.અન્નકૂટની વિશેષતા એ છે કે અહીં મંદિરમાં ભાવિકો દ્વારા અન્નકૂટને લૂંટવામાં આવે છે.આજુબાજુના ગામોમાંથી લોકો મંદિરે પહોંચે છે અને અન્નકૂટની લૂંટ કરી પ્રસાદ ગ્રહણ કરે છે.
દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી: મંદિરના પૂજારી માર્ગેશ ખંભોળજાએ જણાવ્યુ હતું કે, મંદિરમાં દિવાળી પર્વની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, દિવાળીના પાંચ દિવસ ઠાકોરજીને દરરોજ કિંમતી વસ્ત્રો અને આભૂષણોનો શણગાર કરવામાં આવે છે. દિવાળીના દિવસે સાંજે મંદિરમાં હાટડી ભરવામાં આવે છે અને ચોપડાપૂજન થાય છે.બેસતા વર્ષે મોટો અન્નકૂટ ભરવામાં આવશે.જે અન્નકૂટની વિશેષતા એ છે કે ભાવિકો અન્નકૂટ લૂંટે છે.
- Kheda News : ડાકોર મંદિરમાં દર્શન માટે જતાં પહેલાં જાણવું જરુરી, ટૂંકા વસ્ત્રો નહીં પહેરાય
- Kheda News : ડાકોર નગરપાલિકા કચેરી આખી કચરાથી ભરી દીધી, સાફસફાઈની મોટી સમસ્યાને લઇ ત્રસ્ત લોકોનું પગલું