આજથી ડાકોરના રણછોડરાયના દર્શન ખુલતાં ભાવિકો ભાવવિભોર થયા - કોવિડ 19
આજે સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના દ્વાર જાહેર દર્શન માટે ખોલવામાં આવ્યા છે. જેને પગલે ભાવિકોની દિવસોની આતુરતાનો અંત થયો છે, અને ભાવિકોએ ભાવ વિભોર બની રાજાધિરાજના દર્શન કર્યા હતા. કોવિડ-19ની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે મંદિર દ્વારા શ્રદ્ધાળુઓ માટે આજથી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ખેડા: ડાકોરના રાજાધિરાજા રણછોડરાયજીના દ્વાર દર્શનાર્થીઓ માટે આજે સવારથી ખોલવામાં આવ્યા છે. આજે 90 દિવસ બાદ ભાવિકોએ રણછોડરાયના દર્શન કર્યા હતા. સોશિયલ ડિસ્ટનસિંગ, સેનેટાઈઝર તેમજ માસ્ક સહિતની કોવિડ 19ની ગાઇડ લાઇન મુજબના નિયમોના ચુસ્ત પાલન સાથે મંદિર દ્વારા ભાવિકો માટે દર્શન વ્યવસ્થા કરવામાં આવી હતી. આજથી શરૂઆતના પાંચ દિવસ એટલે કે, 23 જૂન સુધી ફક્ત ડાકોરના સ્થાનિક ભાવિકો જ દર્શન કરી શકશે. ત્યારબાદ તબક્કાવાર તાલુકા,જિલ્લા અને રાજ્યના દર્શનાર્થીઓ માટે મંદિર દ્વારા દર્શન વ્યવસ્થા કરવામાં આવશે. આજે 90 દિવસ બાદ રાજાધિરાજના દર્શન થતા ભાવિકો ભાવવિભોર બન્યા હતા અને ભાવિકોની આંખોમાં હર્ષાશ્રુ જોવા મળ્યા હતા.