ડાકોર :સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમ અને હોળી ધુળેટી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે, ત્યારે રણછોડરાયજીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવવા સાથે રોશનીથી સુશોભિત મંદિરને નિહાળી ભાવવિભોર બની રહ્યા છે. યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિર ખાતે હોળી ધુળેટી પર્વ પર વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. મંદિરના કમિટી દ્વારા યાત્રાળુઓ સરળતાથી દર્શનનો લાભ લઇ શકે તે માટેનું આગવું આયોજન કરવામાં આવ્યું છે.
ફાગણી પુનમના દર્શનનું વિશેષ મહત્વ :ડાકોર ખાતે ફાગણી પૂનમ મોટી પૂનમ ગણાય છે. જેનું ભાવિકો માટે વિશેષ મહત્વ રહેલું છે. જેને લઈ ફાગણી પુનમે હોળીના દિવસે વિશાળ સંખ્યામાં ભાવિકો રાજાધિરાજ રણછોડરાયજી મહારાજના દર્શન માટે ડાકોર ઉમટે છે. ઉલ્લાસ પૂર્ણ ભક્તિમય વાતાવરણમાં ભગવાનના દર્શન કરી ભગવાન સાથે હોળી રમીને ધન્યતા અનુભવે છે.
રણછોડરાયજીના દર્શનનો સમય :ફાગણ સુદ 14 સોમવારની વાત કરીએ તો, સવારે 4:45 વાગે નિજમંદિર ખુલી 5:00 વાગ્યે મંગળા આરતી થશે. 5:00થી 8:00 દર્શન ખુલ્લા રહેશે. 8:00થી 8:30 શ્રી ઠાકોરજી બાલભોગ, શૃંગાર ભોગ, ગોવાળ ભોગ ત્રણેય ભોગ ટેરામાં આરોગવા બિરાજશે દર્શન બંધ રહેશે. 8:30 થી 1:00 દર્શન ખુલ્લા રહેશે. બપોરે 1:00 થી 1:30 શ્રી ઠાકોરજીને રાજભોગ આરોગવા માટે બિરાજશે દર્શન બંધ રહેશે. 1:30 થી 2:30 દર્શન ખુલ્લા રહેશે.(ત્યારબાદ રણછોડરાયજી પોઢી જશે). 3:30 વાગે નિજ મંદિર ખુલી 3:45 ઉત્થાપન આરતી થઈ 3:45 થી 5:30 દર્શન ખુલ્લા રહેશે. સાંજના 5:30થી 5:45 દર્શન બંધ રહેશે. શ્રી રણછોડરાયજી મહારાજ શયન ભોગ આરોગવા બિરાજશે. 5:45 થી 8:00 વાગ્યા દરમિયાન દર્શન ખુલ્લા રહેશે. રાત્રીના 8:00થી 8:45 દર્શન બંધ રહેશે શ્રી રણછોડરાયજી મહારાજ સખડીભોગ આરોગવા બિરાજશે. રાત્રીના 8:45થી દર્શન ખુલી ત્યારબાદ અનુકૂળતા મુજબ દર્શન થશે શ્રી રણછોડરાયજી પોઢી જશે.