ડાકોર ખાતે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ રૂ 294.47 લાખના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનની તક્તિનું અનાવરણ કર્યું હતું. તેમજ ઠાસરા ખાતે સાંસદ દેવુંસિંહ ચૌહાણે રૂ 163.57 લાખના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનની તખ્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ખેડા જિલ્લાના ડાકોર અને ઠાસરામાં નવા બસ સ્ટેશનનું લોકાપર્ણ થયું મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, " ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ છેલ્લા 56 વર્ષથી રાજયની પ્રજાને એસ.ટી.બસની સુવિધા પુરી પાડવામાં આવે છે. એસ.ટી.નિગમ નાગરિકોને સલામત, સરળ અને સસ્તી મુસાફરીની સુવિધા પુરી પાડી ગુજરાતની વિકાસગાથામાં મહત્વનું યોગદાન આપી રહી છે. નિગમ દ્ધારા મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળે, સારી બસો મળે, મુસાફરી આરામદાયક અને સુલભ બને તે માટે નિગમ દ્ધારા બસ સર્વીસની કામગીરીને અદ્યતન કરવાના પ્રયત્નો થઇ રહયા છે. નડિયાદ વિભાગ હેઠળ આવતા ડાકોર એસ.ટી.ડેપોના બાંધવામાં આવેલ આર.સી.સી.ફ્રેમ સ્ટ્રક્ચરવાળા અદ્યતન સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશન થવાથી ડાકોર યાત્રાધામની મુલાકાતે આવતા તેમજ સ્થાનિક લોકોને એસ.ટી.બસની સુવિધાઓ સરળ રીતે મળી રહેશે."આ અદ્યતન સુવિધાસભર બસ સ્ટેશનમાં ૧૨ પ્લેટફોર્મ, મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટીંગ હોલ, પાસ રૂમ, સ્ટેનડ ઇન્ચાર્જ રૂમ, ટ્રાફિક ઓફિસ, ડેપો મેનેજર ઓફિસ, ઇન્કવાયરી ઓફિસ, કેન્ટીંગ, પાર્સલ રૂમ, ડ્રાઇવર-કંડક્ટર માટે રેસ્ટ રૂમ, લગેજ રૂમ, મહિલા અને પુરૂષો માટે અલગ-અલગ અદ્યતન સુવિધાયુક્ત શૌચાલયો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે અલગ શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ નવીન બસ સ્ટેશનમાં કાયમી ધોરણે સ્વચ્છતા જળવાઇ રહે તે જોવા એસ.ટી.નિગમના સૌ કર્મચારી સહિત યાત્રાધામ ડાકોરના નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ સમારોહમાં ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઇ પરમાર, જિલ્લા કલેક્ટર સુધીર પટેલ,જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, નગરપાલિકા પ્રમુખ આકાશભાઇ પટેલ, પ્રાંત ઓફિસર અર્પિત સાગર,માજી ધારાસભ્ય અને અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર તેમજ વિભાગીય કર્મચારી યુનિયનના હોદ્દેદારો સહિત એસ.ટી.વિભાગના કર્મીઓ અને મોટી સંખ્યામાં મુસાફરો તેમજ નગરજનો ઉપસ્થિત રહયા હતા.