ડાકોર :યાત્રાધામ ડાકોર ખાતે પ્રતિદિન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રાજાધિરાજ રણછોડરાયજીના દર્શને આવતા હોય છે. પુનમ સહિત તહેવારોના દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા વિશાળ સંખ્યામાં ભાવિકો મંદિરે પહોંચે છે, ત્યારે હાલ રાજ્ય સહિત ખેડા જીલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા પોષી પુનમે મંદિરના દ્વાર ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય (Dakor Mandir Closed On Poshi Punam) લેવામાં આવ્યો છે.
પોષી પુનમે વિશાળ સંખ્યામાં ભાવિકો પહોંચે છે મંદિર
યાત્રાધામ ડાકોર ખાતે પુનમના દિવસે રાજાધિરાજના દર્શનનું ભાવિકોમાં વિશેષ મહત્વ રહેલું છે, જેને લઈ પુનમે વિશાળ સંખ્યામાં ભાવિકો મંદિરે દર્શન માટે પહોંચે છે, ત્યારે હાલ વધી રહેલા સંક્રમણને લઈ 17 જાન્યુઆરીના રોજ પોષી પુનમે મંદિરમાં ભાવિકોને પ્રવેશ નહિ આપવાનો નિર્ણય લેવાયો છે. ભગવાન રણછોડરાયજીની સેવા પુજા બંધ બારણે થશે.
મંદિરમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન
જો કે હાલ ટેમ્પલ કમિટી દ્વારા કર્મચારીઓ, પૂજારીઓ સહિત મંદિરમાં દર્શને આવતા તમામ શ્રદ્ધાળુઓને માસ્ક પહેરવા તેમજ સોશયલ ડિસ્ટન્સ જાળવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. તેમજ કોવિડ ગાઈડલાઈનના પાલનમાં સહકાર આપવા દર્શનાર્થીઓને અપીલ કરાઈ છે, સાથે જ દર્શન કરી મંદિર પરિસરમાં વધુ સમય ન રોકાવા માટે પણ જણાવવામાં આવ્યું છે.