ડાકોરઃ આ દ્રશ્ય છે યાત્રાધામ ડાકોર શહેરના જ્યાં છેલ્લા ઘણા સમયથી કેટલાક વિસ્તારમાં આ રીતે જ નગરપાલિકાની પાઇપ લાઇનમાંથી પાણી ખેંચવું પડે છે. આ દ્રશ્ય નગરપાલિકાની ડચકાં ખાતી કામગીરીની સાક્ષી પૂરી પાડે છે. તો વળી કેટલાક વિસ્તારમાં પાણીની શોધમાં નળ જાણે ભૂગર્ભમાં જઈ રહેલા જોવા મળે છે. શહેરના કેટલાક વિસ્તારમાં ગટર મિશ્રિત પાણી નળ દ્વારા આવી રહ્યું છે. ભરઉનાળે શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી માટે ભટકતી મહિલાઓ જોવા મળે છે.
ડાકોર શહેરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત - ભર ઉનાળે પાણીની સમસ્યા
ડાકોર શહેરમાં ભર ઉનાળે પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. વારંવારની રજૂઆતો છતાં સમસ્યા પર તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જેને લઇ વોટર વર્કસના ચેરમેન દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું છે. પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે વહેલી તકે જો કોઇ નક્કર કાર્યવાહી નહીં થાય તો સ્થાનિકો દ્વારા આંદોલનના મંડાણ કરાશે.

જો કે આ દ્રશ્યો સામે નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ડાકોર શહેરના વોર્ડ નંબર 1,2 અને 3માં પાણીની સમસ્યાને લઇને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શહેરના ડુંગર ભાગોળ, નાની ભાગોળ, ભગત જીન, જોશી કોલોની સહિતના વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી અપૂરતું અને પ્રદૂષિત પાણી આવે છે. તો ક્યાંક પાણી જ નથી આવતું. જેને લઇ મહિલાઓ અને રહીશો દ્વારા અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. નગરપાલિકા દ્વારા પાણીની સમસ્યા અંગે કોઇ જ કામગીરી ન કરતાં ખુદ વોટર વર્કસના ચેરમેન દ્વારા પણ રાજીનામું આપી દેવામાં આવ્યું છે.
કાળઝાળ ગરમીમાં છેલ્લા બે મહિનાથી લોકો ત્રસ્ત છે અને પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે ચીફ ઓફિસર દ્વારા તપાસ કરી કામગીરી કરીશું તેમ જણાવાઈ રહ્યું છે. ત્યારે જો વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રહીશો દ્વારા આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ છે.