ખેડાઃ કોરોના મહામારીની ધંધા રોજગાર પણ વ્યાપક અસરો જોવા મળી રહી છે. કોરોનાના વધતા સંક્રમણને લઈ આવી રહેલા ગણેશ મહોત્સવમાં ઉત્સવની જાહેર ઉજવણી તેમજ શોભાયાત્રા પર મનાઈ ફરમાવાઈ છે. જોકે ઘરે બે ફૂટની નાની મૂર્તિની પૂજા-અર્ચના કરી શકાશે. જેને લઇ કારીગરો દ્વારા નાની મૂર્તિઓ બનાવાઇ રહી છે. ત્યારે 6થી 10 હજાર રૂપિયા સુધી મોટી મૂર્તિ વેચતા હતા તેને બદલે 400 થી 1,000 રૂપિયામાં હવે નાની મૂર્તિ વેચવી પડશે. ત્યારે ધંધો ઘટીને 30 ટકાનો થઇ ગયો છે. કોરોનાને પગલે મોટી મૂર્તિઓ માટે મનાઈ ફરમાવતા અગાઉથી બનાવેલ તેમજ ગયા વર્ષની અનેક મોટી મૂર્તિઓ વેચાણ વિનાની રહી છે. કોરોનાને કારણે નાની મૂર્તિના વેચાણમાં પણ ભારે ઘટાડાની શક્યતા છે. ત્યારે ભારે આર્થિક તકલીફોને લઇ કારીગરોમાં નિરાશા વ્યાપી છે.
ગણેશ મૂર્તિના કારીગરોને નડયું કોરોનાનું ગ્રહણ - ખેડામાં મુર્તીનું વેચાણ
ગણેશ મહોત્સવ નજીકમાં છે ત્યારે કોરોનાને પગલે જાહેરમાં ઉત્સવ ઉજવણી અને મોટી મૂર્તિઓ તેમજ પંડાલ પર મનાઇ ફરમાવવામાં આવી છે. માત્ર 2 ફૂટ સુધીની મૂર્તિ વેચાણની છૂટ અપાઈ છે. ત્યારે ગણેશ મૂર્તિની સાઇઝમાં ઘટાડો થવા સાથે મૂર્તિઓ બનાવતા કારીગરોની આવકમાં પણ ભારે ઘટાડો થયો છે. જેને લઇને રોજીની આશાએ વતનમાંથી પરત ફરેલા પરપ્રાંતિય કારીગરોમાં ભારે નિરાશા ફેલાઇ છે.
![ગણેશ મૂર્તિના કારીગરોને નડયું કોરોનાનું ગ્રહણ ગણેશ મૂર્તિના કારીગરોને નડયું કોરોનાનું ગ્રહણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8249864-1096-8249864-1596208863131.jpg)
મહદઅંશે ઉત્તર ભારતીય કારીગરો દ્વારા મૂર્તિઓ બનાવવામાં આવે છે. જે ગણેશ મહોત્સવના કેટલાક મહિના અગાઉથી જે તે શહેરમાં ડેરાતંબુ તાણી મૂર્તિઓ બનાવવાની શરૂ કરે છે. જો કે આ વર્ષે કોરોનાને લઈ પોતાના વતન ગયેલા આ કારીગરોએ અનલોક જાહેર થતા રોજીની આશાએ પરત ફરેલ મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું છે. પરંતુ મહામારીને પગલે મોટી મૂર્તિઓ પર મનાઈ ફરમાવતા પહેલેથી જ ધંધો ઘટીને 30 ટકા જેટલો થઇ જવા પામ્યો છે.
તે ઉપરાંત કોરોનાના વધતા સંક્રમણને પગલે હજી કોઈ મૂર્તિ જોવા પણ પહોંચી રહ્યું નથી. ત્યારે કોરોનાનું ગ્રહણ કારીગરોની રોજી ગળી ગયું હોય તેમ કારીગરોમાં નિરાશા ફેલાઈ છે.