ખેડા: વિશ્વભરમાં વધી રહેલા કોરોના વાઈરસના કહેર વચ્ચે ભારતથી ઇન્ડોનેશિયા ગયેલા 27 જેટલા યુગલો મુસીબતમાં મુકાયા છે. આ યુગલો ગત 13 માર્ચે મુંબઈથી ઈન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે હનીમૂન ટ્રીપ માટે ગયા હતા. જે હાલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ થતા ત્યાં ફસાઈ ગયા છે. ત્યાં હાલ આ તમામ યુગલોને હોટલ પ્રસાશન દ્વારા હોટલ ખાલી કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે કફોડી પરિસ્થિતિમાં મુકાયેલા યુગલોએ ભારત સરકાર અને રાજ્ય સરકારને મદદ માટે અપીલ કરવામાં આવી છે.
આ 27 યુગલોમાં રાજસ્થાન જયપુર, હૈદરાબાદ, કેરળ, પંજાબ, આંધ્ર પ્રદેશ, મુંબઈ, પુના, દિલ્હી, તામિલનાડુ, મોહાલી, યુપી અને ગુજરાતના યુગલો છે. જેમાં એક યુગલ ગુજરાતના મૂળ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાટેરા ગામના છે. જયારે અન્ય બે યુગલો નડીયાદના છે.