ખેડા: હાલમાં સસ્તા અનાજની દુકાન પર સરકારી નિયમ મુજબ મહિનામાં એકવાર મફત અનાજ આપવામાં આવે છે, ત્યારે મહેમદાવાદ તાલુકાના અમુક દુકાનદારો દ્વારા ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવામાં આવી રહ્યું છે. જેમાં અકલાચા ગામમાં સ્થાનિક લોકોને અનાજ ન મળતા દુકાને આવીને હોબાળો મચાવ્યો હતો. આ બાબતે સ્થાનિક નાગરિકો દ્વારા ગ્રામ પંચાયત સામે સંસ્થાઓ બચાવો ભ્રષ્ટાચાર હટાવોના જન જાગૃતિના બેનર ટ્રેક્ટર પર લગાવવામાં આવ્યા હતા. જે બેનરો દ્વારા દુકાનદાર પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે.
ખેડામાં સસ્તા અનાજની દુકાન પર અનાજ બારોબાર વગે કરાતું હોવા મામલે હોબાળો - ખેડામાં સસ્તા અનાજની દુકાન
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામની સસ્તા અનાજની દુકાનમાં સ્થાનિક લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. દુકાનદાર દ્વારા ગ્રામજનોને પૂરતું અનાજ ન આપી અનાજ બારોબાર સગેવગે કરવાના આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય વર્ષોથી સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં કોણ સભ્ય છે, તે પણ ગામમાં જાણ કરવામાં આવી નથી. ચેરમેન અને સેક્રેટરી ગામના લોકોની કોઈ ફરિયાદ સાંભળતા ન હોવાનો પણ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યા છે. ગરીબ જરૂરિયાતમંદ લાભાર્થીઓનું અનાજ દુકાનદાર દ્વારા સગેવગે કરી દેવાય છે. ફરિયાદ કરવામાં આવે તો દુકાનદાર દ્વારા તમને નહીં મળે એમ કહેવામાં આવે છે, ત્યારે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માગ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, કેટલાક દિવસ અગાઉ જિલ્લા પુરવઠાની ટીમે અકલાચા ગામમાં આવી દુકાન પરથી ઘઉં 1375 કિલો, ચોખા 2450 કિલો, મીઠું 430 કિલો, ખાંડ 300કિલો, તેલ 88 લીટર અને કેરોસીન 190 લીટર જથ્થો સીલ કર્યો હતો. જોકે, આ બાબતથી સ્થાનિક મહેમદાવાદ મામલતદાર કચેરી અજાણ છે, ત્યારે ઉંઘતું તંત્ર ક્યારે જાગશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.