- રૂ.285 કરોડના ખર્ચે જિલ્લામાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
- ભ્રષ્ટાચાર સાંખી નહિ લેવાય,કોઈ ચમરબંધીને છોડવામાં નહિ આવે : મુખ્યપ્રધાન
- રસીકરણ માટે ગુજરાત સજ્જ
નડિયાદ : મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રવિવારના રોજ ખેડા જિલ્લાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે તેમના દ્વારા રૂ.285 કરોડના ખર્ચે જિલ્લામાં સરકારના વિવિધ વિભાગોના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં રૂ.285 કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં પાણી પુરવઠા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. 2022ના અંત સુધીમાં નલ સે જલ કાર્યક્રમ પૂર્ણ કરી દેવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં એક પણ ઘર એવું નહીં હોય કે જ્યાં નળ થી શુદ્ધ પીવાનું પાણી ન મળતું હોય. જ્યારે 82 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
નડિયાદ ખાતે મુખ્યપ્રધાન દ્વારા વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું ભ્રષ્ટાચાર સાંખી નહિ લેવાય, કોઈ ચમરબંધીને છોડવામાં નહિ આવે : મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે 50 લાખની એસીબી ટ્રેપ થઈ છે તેમાં હાલ કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. જે પણ નામ નીકળશે તેમાં કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ખંભાતના ખાતર કૌભાંડની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. એસીબી અને આઇજીને ઊંડાણપૂર્વક તપાસ કરી પગલાં લેવા આદેશો આપવામાં આવ્યા છે.
નડિયાદ ખાતે મુખ્યપ્રધાન દ્વારા વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું રસીકરણ માટે ગુજરાત સજ્જ
રાજ્યમાં રસીકરણ અંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વેક્સિનેશનની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે.ભારત સરકારની ગાઈડલાઈન મુજબ 16 મી તારીખથી વેક્સિનેશન શરૂ થશે.ગુજરાતમાં 287 જગ્યાએ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. છેવાડાના ગામડા સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને અતિથિ વિશેષ તરીકે ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ,સંસદ સભ્ય રતનસિંહ રાઠોડ, દેવુસિંહ ચૌહાણ,ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને કેસરી સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.