- સરદાર પટેલ ભવનથી સંતરામ મંદિર સુધી મુખ્યપ્રધાન દાંડીકૂચમાં જોડાયા
- નડિયાદમાં દાંડીસ્મૃતિ પદયાત્રાનું ઠેર ઠેર ભવ્યાતિભવ્ય સ્વાગત
- અમૃત મહોત્સવ દેશને ‘લીવ ફોર ધ નેશન’નો પ્રેરણા સંદેશ આપશે: મુખ્યપ્રધાન
ખેડા:સાબરમતી આશ્રમ અમદાવાદથી નીકળેલી દાંડીયાત્રા સોમવારે ચોથા દિવસે સ્વતંત્રતા સંગ્રામના અગ્રીમ કેન્દ્રબિંદુ રહેલા અને દેશની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબના જન્મ સ્થળ નડિયાદ ખાતે આવી પહોંચતા સરદાર પટેલ ભવન ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરીને ગાંધી વંદના સાથે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ દાંડી પદયાત્રીઓનું વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું. સાથે જ નગરજનોએ પણ આ પર્વમાં ભાગ લઇ પદયાત્રીઓનું ફુલ-ગુલાબની પાંદડીઓથી અભિવાદન કરી યાત્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને સૌએ ભાવપૂર્વક આવકાર્યા હતા.
કેન્દ્રિય પ્રવાસન રાજ્યપ્રધાન સહિત અન્ય આગેવાનો પણ જોડાયા યાત્રામાં
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સરદાર પટેલ ભવનથી સંતરામ મંદિર સુધી આ દાંડીકૂચમાં કેન્દ્રિય પ્રવાસન રાજ્યપ્રધાન પ્રહલાદસિંહ પટેલ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, ધારાસભ્યો, સ્વૈચ્છીક સેવાભાવી સંસ્થાઓના આગેવાનો, પદાધિકારીઓ, સંતો, મહંતો અને નાગરિકો સાથે સહભાગી થયા હતા. યાત્રા સંતરામ મંદિરે પહોંચતા ત્યાં આયોજીત સભાને મુખ્યપ્રધાને સંબોધિત કરી હતી.
આ પણ વાંચો:દાંડી યાત્રાનું ખેડામાં ભવ્ય સ્વાગત
અમૃત મહોત્સવ દેશને ‘લીવ ફોર ધ નેશન’નો પ્રેરણા સંદેશ આપશે
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભારતની આઝાદીનો અમૃત મહોત્સવ દેશ માટે કુરબાન થનારા શહીદવીરોના સપના, પૂજય બાપૂ, સરદાર સાહેબ, સુભાષચંદ્ર બોઝ જેવા સપૂતોના સપના સાકાર કરી મા ભારતીને વિશ્વગુરૂ બનાવવાનો અમૃત ઉત્સવ છે. મુખ્યપ્રધાને દેશની આઝાદીના સંગ્રામને, તેના સૌ લડવૈયાઓને ભાવિ પેઢી સમજે, ગૌરવ ઇતિહાસ જાણે અને રાષ્ટ્ર માટે સમર્પણ ભાવની તમન્નાથી પ્રેરાય તેવા ઉદાત્ત હેતુથી આ અમૃત મહોત્સવ દેશને આવનારી પેઢીને ‘લીવ ફોર ધ નેશન’નો પ્રેરણા સંદેશ આપશે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો. મુખ્યપ્રધાને આ પદયાત્રામાં સાબરમતી આશ્રમથી નડિયાદ સુધીનું 75 કિ.મી.નું અંતર પદયાત્રીઓ સાથે ચાલીને કાપનારા અને યાત્રામાં સહભાગી બનેલા કેન્દ્રીય રાજ્યપ્રધાન પ્રહલાદસિંહ પટેલનો વિશેષ આભાર સમગ્ર ગુજરાત વતી વ્યકત કર્યો હતો.
રાષ્ટ્રનિર્માણ માટે ઉત્સાહપ્રેરક માહોલ આ અમૃત મહોત્સવ ઊભો કરી રહ્યો છે : કેન્દ્રીય પ્રધાન
કેન્દ્રીય પ્રધાન પ્રહલાદસિંહ પટેલે આ અમૃત મહોત્સવના ૭પ સપ્તાહ સુધીના બહુઆયામી અને રાષ્ટ્રવ્યાપી આયોજનની દીર્ઘદ્રષ્ટિનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વને આપ્યું હતું. કેન્દ્રીય રાજ્યપ્રધાને દેશની આઝાદીના ૧૦૦ વર્ષ જ્યારે પૂર્ણ થાય ત્યારે પ્રત્યેક ભારતવાસી રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત ભાવથી પોતાનું યોગદાન અવશ્ય આપશે તેવો ઉત્સાહપ્રેરક માહોલ આ અમૃત મહોત્સવ ઊભો કરી રહ્યો છે તેનો આનંદ વ્યકત કર્યો હતો. તેમણે પૂજ્ય બાપૂની ઐતિહાસિક દાંડીયાત્રાની આ પૂર્નજીવીત પદયાત્રામાં પોતાને જોડાવા મળ્યું તે ક્ષણને ગૌરવ ક્ષણ ગણાવીને ગુજરાતના પદયાત્રીઓ સહિત પ્રશાસન, નાગરિકો સૌનો આભાર વ્યકત કર્યો હતો. પ્રારંભમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ સૌનો આવકાર કર્યો હતો.
આ પણ વાંચો:દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવતા એવું લાગી રહ્યું છે કે, તમામ તીર્થસ્થાનોનો સંગમ આજે થયો છે: વડાપ્રધાન મોદી