ખેડાઃ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે વયોવૃદ્ધ પેન્શનરોને ઘરે બેઠા પેન્શન મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલની સુચના પ્રમાણે નડિયાદના પ્રાંત અધિકારી લલિતકુમાર પટેલ દ્વારા ટીમ બનાવી વયોવૃદ્ધ પેન્શનરોને ઘરે બેઠા પેન્શન પહોંચાડવામાં આવશે.
આ વિકટ પરિસ્થિતિમાં પેન્શનરોને આર્થિક અગવડતા ન પડે તેમ જ તેઓને બેંકની લાઇનમાં ઊભા રહેવું ન પડે એવું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે.
પેન્શનરોને પેન્શન મેળવવા લોકડાઉનના કારણે બેંકમાં જવા આવવાની સમસ્યા તેમજ પેન્શન પર નિભાવ કરતા પેન્શનરોની વયને ધ્યાને લઇ રૂપિયા 10 હજારની મર્યાદામાં ઘરે બેઠા રોકડા રૂપિયા ફક્ત વોટ્સએપ પર તેમની વિગતો મોકલવાથી પહોંચાડી દેવાની વ્યવસ્થા જિલ્લા કલેક્ટર દ્વારા ગોઠવવામાં આવી છે.
જે કામગીરીને પેન્શનરોએ આવકારી કલેક્ટર તેમજ જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 110 જેટલા પેન્શનરોને રૂપિયા 7.50 લાખ જેટલી રકમનું ચૂકવણું ઘરે બેઠા કરી દેવામાં આવી છે. તેમ જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં નડિયાદ શહેર અને તેની આજુ-બાજુના ગામોમાં પેન્શનરો માટેની આ સેવા શરૂ કરવામાં આવી હતી પરંતુ તેનો વ્યાપ વધારી નજીકના તાલુકાઓમાં પણ જે તે તાલુકા અધિકારીઓ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આ સેવાની અસરકારક રીતે કામગીરી કરી રહ્યા છે.