ગુજરાત

gujarat

ETV Bharat / state

આજથી ચાતુર્માસ મહાપર્વનો પ્રારંભ, મૂળા, મોગરી અને રીંગણનો નિષેધ - Gujaratinews

ખેડા: જિલ્લામાં આવેલા વડતાલધામમાં ચાતુર્માસનો આજથી પ્રારંભ થયો છે. વડતાલધામમાં આજે દેવશયની એકાદશીથી ચાતુર્માસ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે જ આજે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અખંડધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

આજથી ચાતુર્માસ મહાપર્વનો પ્રારંભ, મૂળા, મોગરી અને રીંગણનો નિષેધ

By

Published : Jul 12, 2019, 2:19 PM IST

વડતાલ ખાતે આજે સવારે હરિલીલીમૃત તથા વક્તા બ્રહ્મસ્વરૂપ સ્વામીનું ત્યાગ સ્વામીએ પૂજન કરીને આરતી ઉતારી હતી. પુરોહિત કિશોર ભટ્ટે પૂજાવિધિ કરી હતી. ત્યારબાદ ગોવિંદપ્રસાદ સ્વામીએ આરતી ઉતારીને ધૂનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં સંતો, પાર્ષદો તેમજ ટ્રસ્ટી ઘનશ્યામ ભગત જોડાયા હતા. ચાતુર્માસ એ અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર માસનું મોક્ષપ્રાપ્તિ માટેનું મહાપર્વ છે. અષાઢ સુદ એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજથી મૂળા, મોગરીને રીંગણ જેવા શાકભાજીનો ચાર મહિના એટલે કે દેવઊઠી અગિયારસ સુધી નિષેધ કરવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેવપોઢી અને દેવઊઠી અગિયારસનું વિશેષ મહત્ત્વ હોય છે. આ સંપ્રદાયના કવિ તેમજ સંતોએ ભક્તિપદોમાં એકાદશીનો મહિમા ગાયો છે.

આજથી ચાતુર્માસ મહાપર્વનો પ્રારંભ, મૂળા, મોગરી અને રીંગણનો નિષેધ

વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. જેમાં અષાઢ સુદ એકાદશી એટલે દેવપોઢી કે દેવશયની એકાદશી અને આ દિવસે ભગવાન હરિ ( ભગવાન વિષ્ણુ ) ક્ષીરસાગરમાં ચાર માસ પર્યન્ત પોઢી જાય છે. તેમજ ચાર માસ બાદ કારતક સુદ એકાદશી એટલે કે દેવઊઠી એકાદશીએ ભગવાન જાગે છે. આપણા ધર્મશાસ્ત્રોમાં ચાતુર્માસનો વિશેષ મહિમા ગાવામાં આવ્યો છે. ચાતુર્માસ સ્વામિનારાયણ, વૈષ્ણવ તથા જૈન ધર્મનું માનીતું મહાપર્વ છે. તેમજ ચાતુર્માસમાં દ્વિતીય માસ એટલે શ્રાવણ કે જે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ છે. આ શ્રાવણ માસમાં અનેક તહેવારો આવે છે. જેમાં શ્રાવણી પૂનમ રક્ષાબંધન, હિંડોળા ઉત્સવ ઉપરાંત જન્માષ્ટમી તથા વ્રત ઉત્સવો આવે છે. ચાતુર્માસ પર્વમાં નવ એકાદશી આવે છે. દરેક અગિયારસના ઉપવાસ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

આ ચાર માસ સુધી ભાવિકોએ કોઇને કોઇ એક કે તેથી વધુ અનુકૂળતા પ્રમાણે નિયમ ધારણ કરીને તેનું ચૂસ્તપણે પાલન કરવાનું હોય છે. આ નિયમોનું પાલન કરનાર ભાવિકના આત્માનું શ્રેય થાય છે. ઉપરાંત મંત્રલેખન વ્રત, તપ, એકટાણાં કરવા, ચંદ્રાયણ, વડતાલની પૂનમ ભરવાનો નિયમ લેવો, હરિ જયંતી અને એકાદશીના ઉપવાસ કરવા તથા ભજન-ભક્તિ કરવી વગેરેનું ભાવિકોમાં મહત્વ હોય છે.

ABOUT THE AUTHOR

...view details