ખેડાઃ ડાકોર ખાતે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે શિક્ષકોએ પુસ્તકોનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું. જેમાં ભારતીય સંસ્કૃતિની શિક્ષણ પરંપરા અનુસાર શાળાના શિક્ષકો દ્વારા કોરોના સામે સાવચેતી સાથે પુસ્તક પૂજન, જ્ઞાનયજ્ઞ અને પુસ્તક વિતરણ યાત્રા યોજવામાં આવી હતી.
ખેડામાં શાળા દ્વારા પુસ્તક પૂજન, જ્ઞાનયજ્ઞ અને પુસ્તક વિતરણ યાત્રા યોજાઈ - ખેડામાં પુસ્તક પૂજન
સમગ્ર વિશ્વમાં કરોનોએ હાહાકાર મચાવ્યો છે. આ વાઇરસમાં અનેક ક્ષેત્રો પ્રભાવિત થયાં છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રે કોરોનાની અસર રોકવા માટે તંત્ર સક્રિય બન્યું છે અને વિદ્યાર્થીઓ ઘરે બેસીને અભ્યાસ કરી શકે, તે માટેના વિવિધ આયોજનો કરી રહ્યું છે.
કોરોનાના કપરા સમયમાં શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને વિદ્યાર્થીઓ ઘરે બેઠા પોતાનો અભ્યાસ કરી શકે, તે માટે સરકાર દ્વારા આગામી સમયમાં વિદ્યાર્થીઓને પુસ્તકો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી ડાકોરની જી.ડી.ભટ્ટ હાઇસ્કૂલ દ્વારા નવતર અભિગમ અપનાવી જૂના વિદ્યાર્થીઓ પાસેથી પુસ્તકો મેળવી નવા વિદ્યાર્થીઓને આપવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત શુક્રવારે શાળા ખાતે શિક્ષકો દ્વારા પુસ્તકો અને સરસ્વતી દેવીનું પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જ્ઞાનયજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ શિક્ષકોએ પુસ્તક વિતરણ યાત્રા યોજીને વિદ્યાર્થીઓના ઘરે-ઘરે જઇને પુસ્તકનું વિતરણ કર્યું હતું.