મહુધા તાલુકાના અલીણા ગામે ઈન્દીરા નગરીમાં પીવાના પાણીની સમસ્યાને લઈને એક રહીશ દ્વારા કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ દ્વારા અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવતા મહિલાઓ સહીત રહીશો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. કારણ કે, અહીંના સ્થાનિકો છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, જે સંદર્ભે અનેકવાર પ્રશાસનને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી સ્થાનિકો રોષે ભરાયેલા હતા. વર્ષોથી દબાઈ રહેલો આ રોષનો જ્વાળામુખી આજે પોલીસ સામે ફાટી નીકળ્યો હતો.
પોલીસ અને સ્થાનિકો વચ્ચે લાઠીચાર્જના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ સ્થાનિકો પર લાઠી વર્ષાવી રહી હતી, તો રોષે ભરાયેલા સ્થાનિકોએ પોલીસને ઝપેટમાં લીધી. પોલીસ પર મહિલાઓ સહીત સ્થાનિકો દ્વારા લાકડીઓથી હુમલો કરવામાં આવતા એક પોલીસકર્મી તેમજ એક સ્થાનિક ઈજાગ્રત થયા. તેમને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.